મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની ઈમાનદારીના કિસ્સા અનેકવાર સાંભળવા મળતા હોય છે. બીજીબાજુ સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની  છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરી અને લાંચ લેનારા પોલીસ જેવી તસવીરો જ સામે આવતી હોય છે. પરંતુ પોલીસ પણ આખરે માણસ છે અને હજી પણ પોલીસમાં માણસાઈ જીવતી છે. જેને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ સાબિત કરી બતાવ્યું છે. મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક બજાવતા મહેશભાઈ પટેલ નામના  પોલીસકર્મીને મોંઘોદાટ સ્માર્ટફોન મળી આવતા તેને માલિકને શોધી પરત આપીને પોતાની ઈમાનદારીની ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

મોડાસા શહેરમાં રહેતા સાકીરભાઈ મલેકનો સ્માર્ટફોન ગુરુવારે રાત્રે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ક્યાંક પડી જતા નજીકમાં આવેલ લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સટેબલ મહેશભાઈ ને મળી આવતા પોલીસકર્મીએ મોબાઇલ માલિકની શોધખોળ હાથધરી હતી અને મોબાઈલ માલિક સાકીરભાઈ મલેક હોવાની જાણ થતા તેમનો સંપર્ક કરી મોબાઇલ પરત કરતા મોબાઇલ ધારકે પોલીસકર્મીનો આભાર વ્યક્ત કર્યો હતો. મોડાસા બસ સ્ટેન્ડ નજીક લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ઈમાનદારીની શહેરીજનોએ ભારે સરાહના કરી હતી.