મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પોલીસ એકલ દોકલ કેસ કરી ખાનાપૂર્તિ કામગીરી કરી રહી છે. મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીને અડીને પતંગ-દોરીના હંગામી સ્ટોલ પર ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજી પોલીસે ત્રાટકી ચાઈનીઝ દોરીની ૧૧૦ ફીરીકી સાથે હંગામી સ્ટોલ ધારકની અટકાયત કરી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ચાર રસ્તા પોલીસ ચોકીની નજીક ચાઈનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ કરતા ટાઉન પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે 
        
અરવલ્લી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે મોડાસા ચાર રસ્તા નજીક હંગામી સ્ટોલમાં બાતમીના આધારે રેડ કરી સ્ટોલની નીચે સંતાડી રાખેલ ચાઈનીઝ દોરીની ૧૧૦ ફીરકી કીં.રૂ.૩૩૦૦૦/- નો જથ્થો જપ્ત કરી હંગામી સ્ટોલ ધારક સંજય રજાજી ચૌહાણ (રહે,સાયરા-મોડાસા) ની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
જીલ્લામાં કેટલાક પતંગ દોરીના વેપારીઓને જાણે તંત્રનો ડર જ ના હોય તેમ તંત્રના જાહેરનામાના લીરેલીરા ઉડાડતા હોય તેમ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાથી આવા વેપારીઓ સામે જીલ્લા પોલિસ દ્વારા મકરસક્રાંતિ તહેવાર નિમિત્તે જાહેરનામાનો ભંગ કરતા શખ્શોને ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડતાં ગેરકાયદેસર દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.