મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મોડાસા શહેરમાં ચોરીના મોબાઇલનું માર્કેટ તરીકે બસ સ્ટેન્ડ સામે આવેલા કોમ્પલેક્ષીસમાં અને શહેરની મધ્યમાં ચાર રસ્તા વિસ્તારમાં પણ પણ ખૂલ્લેઆમ ધમધમી રહ્યું છે. મોડાસા બસ સ્ટેન્ડની આજુબાજુમાં બેનંબરના મોબાઇલના કારોબાર માટે નામચીન છે. મોડાસા નગરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલી રેકડી જેવી સંખ્યાબંધ દુકાનોમાં ખૂલ્લેઆમ ચોરીના મોબાઇલનો વેપલો ચાલી રહ્યો છે. શહેરના ચોર-ચિટરો ચોરીના મોબાઇલ વેચવા અહીં જ ફરકે છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોંઘાદાટ સ્માર્ટફોન આ મોબાઈલ બાઝારમાંથી પાણીના મુલ્યે ખરીદી કરતા હોય છે અથવા ગિફ્ટમાં મેળવી ઉપયોગમાં લેતા હોવાની અને ચોરીના મોબાઈલ વેંચતા વેપારીઓને છાવરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલને ચોરીના અને કાળા બજાર માટે દેશ ભરમાં નામચીન મોડાસા મોબાઈલ માર્કેટની ગંધ મોડે મોડે આવતા મોડાસામાં વગર બીલના મોબાઈલ વેંચતા વેપારીઓના રહેઠાણ સ્થળો પર એસ.ઓ.જી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને આદેશ આપતા શુક્રવારે રાત્રીના દસ વાગ્યાના સુમારે મોબાઈલ માર્કેટમાં વગર બીલનાં મોબાઈલ વેંચતા વેપારીઓના રહેઠાણ સ્થળોએ ઠેર ઠેર દરોડા પાડતા મોબાઈલના કાળા બજારીઓમાં નાસભાગ મચી હતી પોલીસતંત્રની સંયુક્ત ટીમોએ ૧) આયશા પાર્કમાં રહેતા અને દાદુ શોપિંગ સેન્ટરમાં “મોબાઈલ કેર” નામની દુકાન ધરાવતા સરફરાઝ અબ્દુલ ખાનજી વેપારીના ઘરે દરોડો પાડી વગરબીલનાં મોબાઈલ-૨૧ અને એલ.ઈ.ડી ટીવી નંગ-૨ તથા લેપટોપ મળી કુલ રૂ.૧૯૮૫૦૦/- , ૨) સિમરન પાર્કમાં રહેતા આરીફભાઇ ઉર્ફે ભાણીયા ભાઈ સુલેમાન ટીંટોઈયાના ઘરેથી મોબાઈલ-૭ કિં.રૂ.૩૧૦૦૦ તથા “વોઇસ મોબાઈલ” નામની દુકાન ધરાવતા અને આયેશા ફાર્મમાં રહેતા મોહસીન ભાઈ સલીમભાઇ ઇસ્માઇલ દાદુના ઘરે રેડ પાડી મોબાઈલ નંગ-૧૮૩૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વેપારીઓ મોબાઈલ સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આઇફોન જ નહીં કોઇપણ બ્રાન્ડના બિલ વગરના મોબાઇલ અહીંના દુકાનદારો ૧૫-૨૫ ટકાના ભાવે ખરીદી લે છે અને બાદમાં આ મોબાઇલમાં કરામત કરી ૫૦ ટકા ભાવે વેચી દેવાય છે. બિલ વગરના મોબાઇલ ખરીદનારો પણ ચોક્કસ વર્ગ છે. કેટલાંક ગુનેગારો પણ ગુનાને અંજામ આપતા પહેલાં અહીંથી બિલ વગરના મોબાઇલ ખરીદતા હોવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે. વળી, બસ સ્ટેન્ડ તથા માર્કેટયાર્ડ ની આસપાસ આવેલી મોબાઈલની દુકાનોમાં પૈકી દસથી પંદર ટકામાં ચોરીના મોબાઇલ લે-વેચના વેપલાની સાથોસાથ મોબાઇલના આઇએમઇઆઇ નંબર બદલી નાંખવાનું રેકેટ પણ ફૂલ્યું ફાલ્યું છે.

IMEI નંબર માટે જૂના ડબલા જેવાં મોબાઇલ ખરીદી લેવાય છે

વાહનચોરો ચોરીના વાહનો પર જૂના ભંગાર થઇ ગયેલા કે આઉટડેટેડ થઇ ગયેલા વાહનોની નંબર પ્લેટ, ચેસિસ નંબર લગાવ્યા બાદ વેચી દે છે. ચોરીના મોબાઇલને વેચવા માટે પણ આ જ મોડસ ઓપરન્ડી અપનાવાઇ છે. મોડાસાના મોબાઈલ માર્કેટના કેટલાંક દુકાનદારો જૂના ડબલા જેવાં ભંગાર મોબાઇલ ખરીદી લે છે. રૃપિયા ૨૦૦-૫૦૦માં આ મોબાઇલ ખરીદી લેવાય છે અને બાદમાં આ જૂના મોબાઇલના IMEI નંબરો સોફ્ટવેરની મદદથી સ્ટોર કરી લેવાય છે. સ્ટોર કરાયેલા આ જૂના મોબાઇલના IMEI નંબરને સોફ્ટવેર થકી ચોરી કરાયેલા સ્માર્ટ ફોનમાં તબદલી કરી દેવાય છે. IMEI નંબર માટે જૂના ભંગાર મોબાઇલ ખરીદી લેવાય છે.

મોડાસા મોબાઈલ માર્કેટ માંથી અનેકવાર રાજ્યની અને રાજ્યબહારની પોલીસ વેપારીઓને ઉઠાવી ગઈ છે. ભૂતકાળમાં ગ્રે મોબાઇલ માટે નામચીન મોબાઈલ માર્કેટમાં દરોડા પાડવા આવતી રાજ્યની અને રાજ્યબહારની પોલીસ ચોરીના મોંઘા મોબાઈલ ટ્રેક થતા અને ચોરીના રેકેટમાં વેપારીઓના નામ ખુલતા અનેક વેપારીઓને ઉઠાવી ગઈ છે અને રસ્તામાં તોડપાણી કરી મોબાઈલના વેપારીઓને છોડી મુક્યા હોવાની અનેક ઘટનાઓ બની છે.