મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં લોકડાઉનની અમલવારીમાં વ્યસ્તનો ફાયદો ઉઠાવી મસ્ત બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. લોકડાઉનમાં ભલે પાન-મસાલા ગુટખાની કુત્રિમ તંગી સર્જાઈ હોય પરંતુ દેશી-વિદેશી દારૂની રેલમછેલ યથાવત રહી છે. મોડાસા શહેરમાં ઘરે અને એક્ટિવા પર હોમડિલિવરી આપતાં પિન્ટુ જયસ્વાલ નામના નામચીન બુટલેગરની કારને બાતમીના આધારે જીલ્લા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર  સાર્વજનિક હોસ્પિટલ નજીક આવેલ ડબગરવાડા નજીક કારને મૂકી રફુચક્કર થઇ જતા એલસીબી પોલીસે કારમાંથી રૂ.૪૯૮૦૦/- વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા શહેરમાં વિદેશી દારૂનો ઘરેથી અને હોમડિલિવરી કરતા નામચીન બુટલેગરની કારને એલસીબી પોલીસે ઝડપી પાડી ટાઉન પોલીસનું નાક વાઢી નાખ્યું હતું.

મોડાસા શહેરમાં વિદેશી દારૂની હોમડિલિવરી આપતાં ચાર થી ૫ બુટલેગરો સક્રિય છે મોડાસા શહેરમાં વિદેશી દારૂના શોખીનોને ફોનની કે વોટ્સએપ્પ કોલિંગની એક જ રિંગ પર માંગો તેવી બ્રાન્ડનો અને મોંઘી શરાબ એક્ટિવા કે બાઈક પર ઘરે બેઠા કે ધંધા રોજગારના સ્થળે પહોંચાડવાનું રેકેટ ચાલી રહ્યું છે. 
        
મોડાસા શહેરમાં હોમડિલિવરી માટે પંકાયેલા અને ગાંધીવાડા વિસ્તારમાં રહેતા પિન્ટુ નામનો બુટલેગર કારમાં વિદેશી દારૂ ભરીને પસાર થવાનો હોવાની જીલ્લા એલસીબીને બાતમી મળતા એલસીબી પોલીસે સાર્વજનિક હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા પિન્ટુ બુટલેગરે વોચમાં રહેલી એલસીબી પોલીસને જોઈ કારને ફુલસ્પીડે દોડાવતા એલસીબી પોલીસે પીછો કરતા સાર્વજનિક હોસ્પિટલ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પિન્ટુ જયસ્વાલે પોલીસ પકડથી બચવા ડબગરવાડા નજીક રોડ પર કાર નધણિયાત મૂકી એલસીબી પોલીસને ચકમો આપી નાસી છૂટતા એલસીબી પોલીસે ઝેન કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કિં.રૂ.૪૯૮૦૦ /-તથા કારની કિં.રૂ.૫૦૦૦૦/ મળી કુલ રૂ.૯૯૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં પંકજ કુમાર ઉર્ફે પિન્ટુ નવનીતભાઈ જયસ્વાલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ટાઉન પોલીસને સોંપતા ફરાર પિન્ટુ  નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.