મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના કામોના નામે અનેકવાર આડેધડ ખોદકામ કરવામાં આવતું હોવાની બૂમો ઉઠી રહી છે. મોડાસા શહેરમાં આવેલી કેદારનાથ સોસાયટી નજીક ડીપી રોડ પર પેવરબ્લોક નાખવામાં આવ્યા છે. પેવરબ્લોક નાખવાની કામગીરી પૂર્ણ થયાને એક મહિના જેટલો સમય થવા છતાં પેવરબ્લોક નાખવા ખોદેલ ખાડાની માટીના ઢગલા હટાવ્યા વગર કોન્ટ્રાકટર કામગીરી આટોપી લેતા સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. કોન્ટ્રાકટર અને નગરપાલિકામાં વારંવાર માટીના ઢગ હટાવવા રજુઆત કરવા છતાં જાણે લોકોની રજુઆત બહેરા કાને અથડાઈ પાછી ફરી રહેતા જાગૃત યુવકે સોશ્યલ મીડિયાનો સહારો લઈ કોન્ટ્રાકટર અને નગરપાલિકાને નિંભર નિંદ્રામાંથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો.
 
હાલ ઈન્ટરનેટના યુગમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને દુરુપયોગ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યો છે. જાગૃત યુવકો અને લોકો તેમની વ્યથા અને મુશ્કેલીઓ નું સમાધાન ન થતા સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, બ્લોગ્સ પર તેમની વ્યથા અને મુશ્કેલી ઠાલવતા હોય છે ત્યારે મોડાસા શહેરની કેદારનાથ સોસાયટી નજીક એક મહિના અગાઉ પેવરબ્લોક નાખવાની કામગીરી દરમિયાન ખડકેલ માટીના ઢગ હટાવવાનું કોન્ટ્રાકટરે મુનાસીબ ન સમજતા સોસાયટીના રહીશો અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી માટીના ઢગ હટાવવા કોન્ટ્રાકટર અને નગરપાલિકાને જાણ કરવા છતાં કોન્ટ્રાકટર કે નગરપાલિકા તંત્ર માટીના ઢગ ન હટાવતા સોસાયટીના જાગૃત યુવક ઉત્સવ પટેલે સોશ્યલ મીડિયામાં કોન્ટ્રાકટર અને નગરપાલિકાની બેદરકારીના ફોટો પાડી ન્યાયની ગુહાર લગાવી છે ત્યારે જોવું રહ્યું કે કોન્ટ્રાકટર કે નગરપાલિકા તંત્ર માટીના ઢગ ક્યારે ઉઠાવશે.