મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં વિદેશી દારૂ, દેશી દારૂ, ગાંજો સહિતના કેફી દ્રવ્યો ના નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ ની રેલમછેલ થતી હોવાની અને કેમિકલયુક્ત તાડી નો મોટા પ્રમાણમાં વેપલો થતો હોવાથી છૂટથી મળતા દેશી દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે સર્વોદય નગર વિસ્તારમાં ૧૦ થી વધુ દેશી-વિદેશી દારૂના અડ્ડા પોલીસના નાક નીચે ધમધમી રહ્યા છે સર્વોદય નગરમાં રહેતી એક શ્રમિક મહિલાનો પતિ દારૂના રવાડે ચઢી મોડી રાત્રે ઘરે ન આવતા મહિલા દારૂના અડ્ડા પર પહોંચતા બુટલેગરો મહિલાને જોઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ વડે તૂટી પડતા મહિલા જીવ બચાવી ભાગી છૂટી હતી મોડાસા ટાઉન પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં દિવસ-રાત દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસ અને વિવિધ એજન્સી પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત સર્વોદય નગર વિસ્તારમાં ખાનાં પૂર્તિ કામગીરી કરતા બુટલેગરો બેફામ બન્યા છે સર્વોદય નગર વિસ્તારમાં ધમધમતા નશાનો કારોબાર પોલીસ માટે કમાઉ દીકરો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બુટલેગરોને ખાખીનો ડર જ ન હોય તેમ કાયદો હાથમાં લેતા ગભરાતા નથી બુટલેગરોના ખોફથી સમગ્ર વિસ્તારમાં રહેતા લોકો પારેવાની માફક ફફડી રહ્યા છે માથાભારે બુટલેગરો સામે લોકો લાચારી અનુભવી રહ્યા છે ત્યારે લુખ્ખા બુટલેગરોને પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

સર્વોદય નગર વિસ્તારમાં રહેતી શ્રમીક મહિલાનો પતિ દારૂની લત ધરાવતો હોવાથી પરિવારજનો તોબા પોકારી ઉઠ્યા છે ગત રાત્રીએ મોડી રાત્રે પતિ ઘરે ન આવતા મહિલા તેના પતિને શોધતી શોધતી દારૂના અડ્ડા પર પહોંચી તેના પતિ અંગે બુટલેગરોને પુછાતા જ બુટલેગરો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ઢોર માર મારતા મહીલા ફફડી ઉઠી હતી અને મહિલા ઘરે પરત આવી ગઈ હતી જો કે મહિલાએ બુટલેગરોને પાઠ ભણાવવા હિંમત કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથધરી છે.