જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનુસુચિત જાતિ સમાજના વરઘોડામાં ક્યાંક ઘોડા પર બેસવાના મામલે તો ક્યાંક મોજડી પહેરવા જેવી બાબતોને લઇને વરઘોડા અટક્વવામાં આવ્યા હોવાની સાથે હુમલાની ઘટનાઓ બની રહી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં વધુ એકવાર વરઘોડામાં ઘર્ષણની સ્થિતિ પેદા થઇ હતી જેમાં મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્નમાં નીકળેલા વરઘોડામાં યુવતીના ભાઈએ માથે રજવાડી સાફો પહેર્યો હોવાથી તને સાફો શોભતો નથી કહીં જાતિ પ્રત્યે અપમાનિત કરી ગામમાંથી વરઘોડો પસાર થતા મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ રોડ પર કારની આડશ ઊભી કરી વરઘોડો અટકાવતા ઘર્ષણની સ્થિતી પેદા થઈ હતી. ભારે હોહા થતા મોડાસા રૂરલ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી દલીત અગ્રણીઓ સાથે રાખી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જીલ્લા પોલીસવડાએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર ગામમાં સોમવારે રાત્રે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે જાન આવતી હોવાથી યુવતીના પરિવારજનોએ પોલીસ રક્ષણની માંગ કરતા પોલીસ કાફલો નાંદીસણ ગામે ખડકી દઈ પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
 
 
 
 
સમગ્ર દેશમાં આઝાદીના ૭૨ વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો સતત અસ્પૃશ્યતો ભોગ બને તે આશ્ચર્યની વાત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમરસતાની સુફિયાણી વાતો વચ્ચે દલિત સમાજના લોકો રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ આભડછેટ અને સામાજિક બહિષ્કારની અનેક કમનસીબ ઘટનાઓ સામે આવી રહી છે. અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જાતિગત ભેદભાવની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અનુ.જાતિના લગ્નપ્રસંગે નીકળતા વરઘોડામાં ઝઘડાઓ થઈ રહ્યા છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો અસામાજિક તત્વોના ડર થી અનુ.જાતિના લોકો પોલીસ બંદોબસ્ત વચ્ચે ભયના ઓથાર નીચે થરથરતા વરઘોડા કાઢવા મજબુર બન્યા હતા.
પ્રાપ્ત માહીતી અનુસાર, મોડાસા તાલુકાના નાંદીસણ ગામે સોમવારે રાત્રે સોમાભાઈ પરમારની દીકરીનો વરઘાડો નીકળ્યો હતો. યુવતીના ભાઈ ધવલ પરમારે બહેનના લગ્નમાં રજવાડી સાફો પહેર્યો હોવાથી વરઘોડો ગામમાં પહોંચતા ગામના ચોકમાં રાસ-ગરબાની રમઝટ વચ્ચે નાંદીસણ ગામના મહીલા સરપંચનો પુત્ર ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ ત્યાં પહોંચી ધવલ પરમારને એકબાજુ લઇ જઈ તારા માથે પાઘડી શોભતી નથી મને આપી દે તેમ કહી ઘર્ષણ કરતા લગ્નપ્રસંગમાં આવેલા મેઢાસણ ગામના ગીરીશભાઈ રામાભાઈ પરમાર સમજાવવા ગયા હતા. તો ત્યારે તેમની સાથે લાફાવાળી કરી ધક્કામુકી કરતા ઘર્ષણની સ્થિતિ પેદા થઇ હતી. પુત્રના ઉપરણાંમાં પિતા જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ દોડી આવ્યો હતો અને વરઘોડા પસાર થતા રોડ પર કાર આડી મુકી દઈ વરઘોડો અટકાવતા ભારે હોબાળો મચી ગયો હતો. મહિલા સરપંચના પતિ સત્તાના મદમાં બેફામ ગાળાગાળી કરી મૂકી હતી.
 
 
 
 
 
વરઘોડામાં ઘર્ષણ થતા અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવતીના પરિવારજનો મહિલા સરપંચ પતિને વારંવાર વિનંતી કરવા છતાં કાર રોડ પરથી ન હટાવતા યુવતીને ઘોડા પરથી નીચે ઉતારી ચાલતી ઘરે મોકલવાની ફરજ પડી હતી. તેમ છતાં પિતા-પુત્ર દાદાગીરી કરી અનુસુચિત જાતિ સમાજને દમદાટી આપતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. મોડાસા રૂરલ પીઆઈ એસ.એન.પટેલ અને તેમની ટીમ નાંદીસણ ગામે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરતા મહિલા સરપંચના પતિ ખુદ નશામાં હોવાની અને વરઘોડામાં રહેલા કેટલાક શખ્સો પણ પીધેલા હોવાની બૂમો પાડી દાદાગીરી કરતા પોલીસ મહિલા સરપંચ પતિને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને લઇ આવી હતી. યુવતીના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
મોડાસા રુરલ પોલીસે ધવલ સોમાભાઈ પરમારની ફરિયાદના આધારે ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ (બંને.રહે-નાંદીસણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.