મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : મોડાસા નગરપાલિકા વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનો ખર્ચ વરસાદી પાણીના નીકાલ માટે કરી રહી છે. વરસાદી પાણીના નીકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાની સાથે પાણીના મુખ્યમાર્ગ અને અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ જાવ તેવી સ્થીતીનું નિર્માણ થાય છે. મોડાસા શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન નીચેથી વરસાદી પાણીના નીકાલ માટેની પાઈપલાઈનની મંજૂરી વર્ષોથી અટવાયેલી હતી. ત્યારે મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારે રેલ્વેલાઈન નીચેથી વરસાદી પાણીના પાઈપલાઈન માટે એનઓસી મળે તે માટે પ્રયત્નો હાથધરી સાંસદ દીપસિંહ રાઠોડને રજુઆત કરતા ટૂંક સમયમાં રેલ્વેના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત કરી પાઈપલાઈનને મંજૂરી આપતા વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહદંશે દૂર થશે વરસાદી પાણીની પાઈપલાઈન સ્થળની મુલાકાત સમયે જીલ્લા કલેકટર નરેન્દ્ર મીણા,સાંસદ દીપસિંહ રાઠોડ,નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર, ચીફ ઓફીસર જીગ્નેશ બારોટ અને નપાના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. 

મોડાસા શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે રામપાર્ક, માણેકબા, રત્નમ, વિદ્યાકુંજ,પંડયાવાસ સહિત લઘુમતી વિસ્તારોની કેટલીક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા હોવાથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નીકાલ માટે રેલવે લાઈન નીચેથી પાઈપલાઈનની તાતી જરૂરીયાત હોવા છતાં રેલવે તંત્ર વરસાદી પાણીંની પાઈપલાઈન નાખવા મંજૂરી આપતી ન હોવાથી સમસ્યા યથાવત રહેતી હતી. ત્યારે નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસારે આ અંગે સાંસદ દીપસિંહ રાઠોડ અને જવાબદાર તંત્રમાં ધારદાર રજુઆત કરતા આખરે પ્રમુખ જલ્પા ભાવસારની મહેનત રંગ લાવી હતી રેલવે તંત્રના અધિકારીઓએ ચાર દિવસમાં વરસાદી પાણીની નિકાલ માટેની પાઈપલાઈનની મજૂરી આપતા લોકોમાં આનંદ છવાયો હતો.