મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા : અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ શિયાળાની જમાવટ થાય તેના પહેલા જમાવટ કરી હોય તેમ સતત ઘરફોડ ચોરીનો ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે. મોડાસા શહેરની ફૈઝે રસુલ સોસાયટીમાં રહેતો મકરાણી પરિવાર મુંબઈ મિત્રના ઘરે સામાજીક પ્રસંગે ગયો હતો ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૦ લાખથી વધુની રોકડ રકમ અને કિંમતી આભુષણ સહીત મોંઘીદાટ બે ઘડિયાળની ચોરી કરી પલાયન થઇ જતા સમગ્ર વિસ્તારમાં ઘરફોડ ચોરોનો ભય ફેલાયો હતો. મકરાણી પરિવારને ઘરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની જાણ થતા તાબડતોડ મુંબઈથી મોડાસા દોડી આવ્યા હતા અને મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ પ્રાથમીક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી. 
      
મોડાસા પોલીસ લાઈનમાં પોલીસકર્મીના બંધ કવાટર્સનું તાળું તોડી ૧.૮૯ લાખની ચોરીની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે મોડાસા શહેરમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના બનતા શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરની ફૈઝે રસુલ સોસાયટીમાં રહેતા એડવોકેટ મોહમ્મદખાન મકરાણી શનિવારે તેમના પરિવાર સાથે સામાજીક પ્રસંગમાં સહપરિવાર ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના દરવાજાનું તાળું નકુચા તોડી તસ્કરો ત્રાટકી કબાટના લોક તોડી નાખી રોકડ રૂપિયા દોઢ લાખ અને ૨૦ તોલથી વધુના સોના-ચાંદીના દાગીના અને બે મોંઘીદાટ ઘડિયાળની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. મોહહમ્મદખાન મકારાણીના મિત્ર તેજસ પટેલ મંગળવારે ઘરે કામકાજ અર્થે પહોંચતા દરવાજા અને ઘરનું તાળું તૂટેલું જોતા તેમને તેમના ઘરે ચોરી થઇ હોવાનું જણાવતા મોહમ્મદખાન તાબડતોડ મુંબઈ થી મોડાસા પહોંચ્યા હતા અને ઘરમાંથી રોકડ રકમ સહીત લાખ્ખો રૂપિયાના ઘરેણાંની ચોરી થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલીસે ચોર તસ્કર ગેંગને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી ચક્રો ગતિમાન કર્યા હતા.