મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડી ગત રવિવારે રાત્રીના   સમયે ચોર ટોળકી લઈ પલાયન થઇ જતા ઘર નજીક પાર્ક કરેલી ૨૫ લાખની એસયુવી ગાડી ચોરાતાં કાર માલિક સહીત મોડાસા શહેરમાં ભારે ચકચાર મચી આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરેલ ફોર્ચ્યુનર ગાડીની તપાસ હાથધરી હતી ફોર્ચ્યુનર ગાડીના માલિક નિર્મલ ચૌધરી અને તેમના મિત્રોએ ચોરી થયેલ ગાડીની શોધખોળમાં જોતરાઈ ગયા હતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓ સાથે રાખી આખરે ૭ દિવસની ભારે શોધખોળ પછી ભરતપુર નજીક આવેલ યુપીની સરહદ પરથી ફોર્ચ્યુનર ગાડી બિનવારસી હાલતમાં મળી આવતા ગાડીના માલિક અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો 

મોડાસા માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા નિર્મલ યશવંત ભાઈ ચૌધરી મોડાસાના મેઘરજ રોડ પર આવેલ કલ્પતરૂ સોસાયટીમાં રહે છે થોડા મહિના અગાઉ જ ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી રવિવારે રાત્રે ઘર નજીક પાર્ક કરેલ ફોર્ચ્યુનર(ગાડી.નં-GJ 18 BJ 9898)ની આંતરરાજ્ય વાહન ચોરતી ગેંગના બે શખ્શો ચોરી કરી પલાયન થતા ભારે ચકચાર મચી હતી આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ નિર્મલ ચૌધરી અને તેમના મિત્ર વર્તુળે ૫ ટીમ બનાવી વિવિધ વાહનો મારફતે ટોલપ્લાઝાના સીસીટીવી ચેક કરતા ચોર ગાડી રાજસ્થાનના ચિતોડગઢના ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થયા પછી ગાયબ થઇ હતી મોડાસા ટાઉન પોલીસે સ્ટેશનના ત્રણ પોલીસકર્મીની મદદથી રાજસ્થાન ઘમરોળી નાખ્યું હતું આખરે ફોર્ચ્યુનર ગાડી રાજસ્થાનના ભરતપુર નજીક ત્રણ રાજ્યોની સરહદ પર આવેલા ઉત્તરપ્રદેશના વિસ્તારમાં હોવાની જાણ થતા સ્થાનિક પોલીસની મદદ લીધી હતી ગાડી ચોરનાર શખ્સોને આ અંગેની જાણ થતા ફોર્ચ્યુનર ગાડી ત્રણ રાજ્યોની સરહદ પર બિનવારસી મૂકી ફરાર થઇ જતા આખરે ફોર્ચ્યુનર ગાડી ૭ દિવસની ભારે શોધખોળ બાદ પરત મળતા ગાડીના માલિકે અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો