મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ગાંધીનગર  રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ  જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે. દોઢ મહિના અગાઉ માલપુરમાં રહેતો રાજસ્થાની યુવક મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા રૂરલ પોલીસે યુવકના રાજસ્થાન સહીત અનેક સ્થળોએ તપાસ હાથધરી હતી. મોડાસા રૂરલ પોલીસે બાતમીના આધારે અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાની યુવકને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ અપહત્ય સગીરાનો છુટકારો કરાવ્યો હતો. 

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. તોમર અને તેમની ટીમે  પોક્સો એક્ટ હેઠળના ગુન્હાના આરોપી ઈશ્વર કાનજી ગરાસીયાને ભોગ બનનાર સગીરા સાથે અમરેલીના બગસરા તાલુકાના મુંજીયાસર ગામમાંથી દબોચી લીધો. મોડાસા રૂરલ પોલીસે દોઢ મહિના અગાઉ મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હતો અને પોલીસ પકડથી બચવા અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છુપાયો હતો. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રીય કરી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના દિવસોમાં સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.