મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા :  અરવલ્લી જીલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓનો સીલસીલો યાથવત જોવા મળી રહ્યો છે. જીલ્લા ખાણખનીજ વિભાગની ખનીજ ચોરી ના ચેકિંગમાં નીકળેલી સરકારી ગાડી કચેરી થી થોડે દૂર આવેલા દેવરાજ મંદીર પાસે જીપનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ રોડ સાઈડ બે ત્રણ પલ્ટી મારી ઝાડી-ઝાંખરામાં ખાબકી હતી. સરકારી જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જીપમાં સવાર માઇન્સ અધિકારી સહીત ત્રણ કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે દવાખાને ખસેડયા હતા.

મોડાસા દેવરાજ મંદિર નજીક બાયપાસ રોડ પર બુધવારે મોડી રાત્રે ચેકીંગમાં નીકળેલ ખાણખનીજ વિભાગની સરકારી જીપનું ટાયર ફાટતા ધડાકાભેર અવાજ સાથે ટાયર ફાટી જીપ પલ્ટી ખાઈ જતા રોડ નજીક રહેતા લોકો દોડી આવ્યા હતા. જીપ રોડ નજીક ઝાડી-ઝાંખરામાં ખાબકતા જીપમાં ફસાયેલ ત્રણ કર્મચારીઓને બહાર કાઢી શરીરે સામાન્ય ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડયા હતા. સરકારી જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો સદનસીબે જીપમાં સવાર ત્રણે કર્મચારીઓનો આબાદ બચાવ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકારી જીપ ઓવરલોડ ટ્રક કે ડમ્પરનો પીછો કરતા પલ્ટી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

ખાણખનીજ અધિકારી મન ચૌધરીના જણાવ્યા અનુસાર ગત રાત્રીએ કચેરીના માઈન્સ ઇન્સ્પેકટર ગણપતભાઈ,સિક્યુરીટી ગાર્ડ અને ડ્રાઇવર ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે બાયપાસ રોડ પર જીપનું ટાયર ફાટતા પલ્ટી ગઈ હતી અને ત્રણે કર્મચારીઓ સહી સલામત હોવાનું અને બેઠો માર વાગ્યો હોવાનું જણાવ્યું હતું.