મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યું છે. જીલ્લાના માર્કેટયાર્ડમાં ઘઉંની આવક મહત્તમ હોળી-ધુળેટી પછી થતી હોય છે ત્યારે મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થતા માર્કેટયાર્ડ અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડાસા માર્કેટયાર્ડમાં ચાલુ સીઝનના સૌપ્રથમ નવા પકવેલ ઘઉં લઇ ખેડૂત પહોંચતા માર્કેટયાર્ડના કર્મચારીઓએ ખેડૂતનું કુમકુમ તીલકથી આવકારી ઘઉંની હરાજી કરતા ૪૨૭ રૂપિયા પ્રતી મણ ભાવ પડતા ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બીજીબાજુ સીઝનની હરાજીના પ્રથમ ઘઉં ખરીદનાર વેપારી પણ ઉત્સાહીત બન્યો હતો. 

ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલા નવી સિઝનનાં ઘઉં મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂત લઇ પહોંચતા ઘઉંનો નવો પાક વહેલા આવ્યાં હોવાથી બધાને ઉત્સુકતા જાગી હતી. માર્કેટયાર્ડમાં નવા ઘઉં સાથે પહોંચેલા ખેડૂત ભરતભાઈ ડામોરને માર્કેટયાર્ડના કર્મચારીઓએ કુમકુમ તીલક કરી આવકાર આપ્યો હતો અને ઘઉંની ખરીદી ના શ્રી ગણેશ કર્યા હતા. હરાજીમાં વેપારીઓએ નવા ઘઉં ખરીદવા ભારે ઉત્સાહ બતાવ્યો હતો. હરાજીમાં પ્રતિ મણ ૪૨૭ રૂ.બોલી લગાવી ગુલામ ભાઈ નામના વેપારીએ  સીઝનના પ્રથમ ઘઉં ખરીદતા ખેડૂત અને વેપારીમાં ખુશી છવાઈ હતી. ખેડૂતોને ઘઉંના ભાવ વધુ મળે અને ખેડૂતોને ઘઉં વેચાણ અર્થે કોઈ તકલીફ ન પડે તે માટે મોડાસા માર્કેટયાર્ડમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવ્યું હતું.