મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અને ભયનો આતંક સર્જનાર કોરોના વાઈરસ ઝડપથી પ્રસરતો અટકાવવા રવિવારે સમગ્ર દેશમાં દેશવાસીઓએ જનતા કર્ફ્યુ રાખ્યો હતો સોમવારે મધ્યરાત્રીએ રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં નોંધપાત્ર વધારો થતા લોકડાઉન કરવાની ફરજ પડી છે. કોરોના વાઈરસમાં માસ્ક અને સૅનેટાઇઝરની માંગ માં વધારો થતા કાળાબજાર થવાની સાથે તંગી સર્જાઈ હતી તેવી જ સ્થિતિ હવે કરિયાણામાં થઇ રહી હોવાની બૂમો ઉઠી છે. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કેટલાક લેભાગુ કિરાણા સ્ટોરના માલિકો મનફાવે તેમ બેફામ ભાવે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાની બૂમો ઉઠી રહી છે.

     અરવલ્લી જીલ્લા પુરવઠા તંત્રે મોડાસા માર્કેટયાર્ડમાં કિરાણાના જથ્થાબંધ વેપારીના ત્યાં તપાસ હાથધરી હતી મોડાસા માર્કેટયાર્ડમાં આવેલી કિરાણા સ્ટોરના જથ્થાબંધ વેપારીઓના ત્યાં પુરવઠા તંત્રના અધિકારીઓ ત્રાટક્યા હતા અને જથ્થો અને ભાવ અંગે તપાસ હાથધરી હતી હાલ તો પુરવઠા તંત્રના અધિકારીઓએ આ તપાસ રૂટિન હોવાનું અને જીલ્લાવાસીઓને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની તંગી ન સર્જાય તેની તકેદારી રૂપી વેપારીઓ  સાથે ચર્ચા થઇ હોવાનું રટણ કર્યું હતું ત્યારે પુરવઠા તંત્રની જિલ્લાવાસીઓને તકલીફ ન પડે તે  માટે તપાસ હાથધરી હતી કે પછી અન્ય કોઈ કારણસર તે અંગેની ચર્ચાએ વેપારી આલમમાં જોર પકડ્યું હતું.

પુરવઠા તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકે તેલના ડબ્બામાં લૂંટ થતી હોવાની બૂમો પાડી

      મોડાસા માર્કેટયાર્ડમાં આવેલ જાણીતા કિરાણા સ્ટોરના માલિક દ્વારા કોરોના વાઈરસના ભય અને લોકડાઉનની સ્થિતિમાં માનવતા નેવે મૂકી તેલના ડબ્બામાં  રૂ.૧૦૦ થી ૧૫૦ વધુ લેવામાં આવતા હોવાની બૂમો ઉઠતા પુરવઠા તંત્ર ત્રાટક્યું હતું પુરવઠા તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં જ જાગૃત નાગરિકે તેલના ડબ્બામાં વેપારી ઉઘાડી લૂંટ ચલાવતો હોવાની બૂમો પાડી હોવા છતાં તંત્રના અધિકારીઓના બહેરા કાને આ બુમ ન સંભળાઈ હોય તેમ તપાસના અંતે સબ સલામત હોવાનું પુરવઠા તંત્રના દરોડામાં બહાર આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થતા પુરવઠા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા તંત્રના દરોડાની સમીક્ષા કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે.