મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે અને દિવસે ને દિવસે સ્થિતિ જોખમકારક બની રહી છે ત્યારે કોરોનાની સાંકળ તોડવા માટે મોડાસા શહેરમાં આજથી ૫ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ શરૂ થયો છે ત્યારે આ સ્વૈચ્છિક લોકડાઉનને શહેરના વેપારીઓનો પૂર્ણ સહયોગ મળ્યો હોય તેમ પ્રથમ દિવસે જ બંધની જડબેસલાક અસર જોવા મળી હતી. હોસ્પિટલ અને દવાની દુકાનો તેમજ દૂધ, શાકભાજી, ફ્રુટ અને અનાજ દળવાની ઘંટીઓ સવારે ૭ થી ૧૦ દરમ્યાન ખુલ્લી જોવા મળી હતી અન્ય વેપારીઓ અને ફેરિયાઓએ  સ્વયંભૂ બંધ પાડી કોરોના સામેનો જંગ જીતવા માટે એક મહત્ત્વના પ્રયાસમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.પોલીસતંત્રએ પણ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું નગરપાલિકા તંત્ર અને વિવિધ વેપારી સંગઠનોની લોકોને કરેલી અપીલના પગલે મોડાસા શહેર સજ્જડ બંધ રહ્યું હતું શહેરના મુખ્યમાર્ગ પર સેનેટાઈઝની કામગીરી હાથધરી હતી.

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે મોડાસા શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સતત મોત નિપજતા શહેરીજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે શહેરમાં તમામ ધંધા રોજગાર બંધ રહેતાં માર્ગો પર સૂમસામ માહોલ જોવા મળ્યો હતો. નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર અને તેમની ટીમ, ચેમ્બરના અગ્રણીઓ સહિતે વિવિધ વિસ્તારમાં ફરીને સ્વૈચ્છિક લોકડાઉનનો કેવો પ્રભાવ છે તે જોવા નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન સ્વૈચ્છિક હોવા છતાં વિવિધ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. રસ્તા પર લોકોની અવરજવર સામાન્ય રહેવા પામી હતી પણ સ્વૈચ્છિક લોકડાઉનના લીધે દુકાનો બંધ હોતાં સામાન્ય દિવસોની તુલનાએ લોકોની આવન-જાવન પાંખી સંખ્યામાં જોવા મળી હતી. જો અને તોના પ્રવર્તતા માહોલ વચ્ચે પ્રથમ દિવસે સ્વૈચ્છિક લોકડાઉનને બહોળો પ્રતિસાદ સાંપડેલો જોવા મળ્યો હતો.મોડાસા શહેરને અડીને આવેલા ખલીકપુર અને સબલપુર ગામમાં પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં સજ્જડ બંધ રહ્યા હતા.


 

 

 

 

 

ચાર રસ્તા પર એકઠા થતા હજ્જારો શ્રમિકો સીધા કામકાજ સ્થળે પહોંચ્યા 

મોડાસા નગરના હાર્દ સમા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા ટાઉન હોલ બહાર રોડ ટચ જગ્યાએ રોજ વહેલી સવારે શ્રમિક મેળો થઈ જાય છે, પરંતુ આ લોકડાઉન દરમ્યાન આવો ટોળાબંધી મેળો નહીં યોજવા અને કોઈપણ શ્રમિક સીધો સાઈટ પર જવાનું આહવાન કરવામાં આવતા ચાર રસ્તે શ્રમીકો પણ ફરક્યા ન હતા અને સીધા જ કામકાજના સ્થળે પહોંચી શહેરના સ્વૈછિક લોકડાઉંનને સમર્થન કર્યું હતું.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.