મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: કોરોના કાળો કહેર વર્તાવી રહયો છે.સરકારના મતે અગાઉની જેમ કોરોના ઘાતક નથી પરંતુ જિલ્લામાં દર્દીઓના ટપોટપ મોત થતાં લોકો ફફડી ઉઠયા છે અરવલ્લી જિલ્લામાં શરૂઆતથી કોરોનાના કેસની સરખામણીએ મોતની ટકાવારી ઉંચી રહી છે.જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજના કંપાઓમા અનેક લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અને કોરોનાગ્રસ્ત બનતા  મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૮૩ કંપાઓમાં સ્વૈછીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે કંપાઓના તમામ રહિશો તેમજ શહેરમાં રહેતા તમામ સમાજબંધુઓએ લોકડાઉનનો અમલ કરવા અનુરોધ કરાયો છે. આ લોકડાઉન તા.૧પ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.


 

 

 

 

 

કોરોના સંક્રમણ અટકાવવા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મોડાસા વિભાગ દ્વારા સમાજ જોગ એક અપીલ કરી ૮૩ કંપાઓમાં સ્વૈછીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે ત્યારે સમાજ દ્વારા કરવામાં આવેલ સુચનોનું અવશ્ય પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલ નિર્ણયોમાં લગ્ન, જીયારા, શ્રીમંત, મરણ અથવા નાના મોટા પ્રસંગમાં મર્યાદિત સંખ્યામાં કોરોના ગાઈડ લાઈન મુજબ આયોજન કરવા જણવવામાં આવ્યું છે. સાથે મરણ થાય તો કંપાના પરિવારો પુરતું સિમિત રાખવા તેમજ કામ સિવાય અવર જવર નહિં કરવા અને બહેનોએ ભેટીને મળવું નહી, શક્ય હોય તો હાથ જોડી નમસ્કાર કરવા જણાવવામાં આવ્યું છે. આમ સતત વધી રહેલા કોરોના સંક્રમણની આટલેથી અટકાવી દેવાના પ્રયાસના ભાગ રૂપે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મોડાસા દ્વારા ઉપરોક્ત મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.