મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ હાલ ઉનાળાની ગરમી આકરી બની રહી છે. ત્યારે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી એક દીપડો મોડાસાના કુડોલ ગામની આસપાસ દેખા દઈ રહ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જ્યારે એક બાળપશુનું મારણ પણ દીપડાએ કર્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં પૂર્વ પટ્ટો લગભગ જંગલોવાળો પટ્ટો છે. આ વિસ્તાર ડુંગરાળ અને ઝાડીયુક્ત હોય જંગલોમાં હિંસક પ્રાણીઓ હોય છે. હાલમાં ઉનાળો આકરો બન્યો છે સાથે કેટલીક વાર જંગલોમાં આગ ભભૂકી ઉઠવાની પણ ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવા જંગલી પ્રાણીઓ ખોરાકપાણીની શોધમાં ગામડાઓ તરફ વળી જતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી મોડાસાના કુડોલ પંથકમાં દીપડો દેખાતો હોવાની વાતો ગ્રામજનો કરી રહ્યા છે. 

બીજી બાજુ ગઈ રાત્રીના રોજ કુડોલના પટેલ બાબુભાઈ રામાભાઈના ખેતરમાં દીપડો આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ ખેતરમાં દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે એક બાળપશુનું મારણ પણ દીપડાએ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સાથે ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરવા માટે પણ ઉગ્ર માંગ કરી છે. દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.