મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: સાબરકાંઠાના ઇડર તાલુકાના મોટા કોટડા ગામનો ૩૦ વર્ષીય યુવકની લાશ  મોડાસા શહેરની લિઓ પોલીસ ચોકી સામે આવેલા લક્ષ્મી કોમ્પ્લેક્ષમાં આવેલી ખાનગી હોસ્પિટલની લોબી માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી. યુવકની લાશ પડી હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોટા કોટાડાથી યુવકના પરિવારજનો અને સગા-સંબંધી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મોટા કોટડાના યુવકની લાશ લક્ષ્મી કોમ્પ્લેક્ષ આગળ થી મળી આવતા તરેહ તરેહ ની ચર્ચાએ જોર પકડ્યું છે.
 
મોડાસા શહેરના બસસ્ટેન્ડ સામે આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસ નીચે આવેલ ખાનગી હોસ્પિટલની લોબીમાં ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા અનેક શંકાઓ-કુશંકાઓ પેદા થઇ હતી ઇડર તાલુકાના મોટા કોટડા ગામનો ભરતસિંહ મોહનસિંહ પરમાર નામનો ૩૦ વર્ષીય યુવક પીકઅપ ડાલામાં શાકભાજીની હેરાફેરી કરે છે. શુક્રવારે રાત્રે મોડાસામાં પીકપડાલુ લઇ આવેલા ભરતસિંહને છાતીમાં દુખાવો ઉપડતા રોડ પર પીકઅપ ડાલુ પાર્ક કરી લક્ષ્મી ગેસ્ટ હાઉસની નીચે આવેલ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને લોબી આગળ જ ઢળી પડતા મોતને ભેટતા ભારે દોડધામ મચી હતી ખાનગી હોસ્પિટલની લોબીમાં ૩૦ વર્ષીય યુવકની લાશ પડી હોવાની માહિતી મોડાસા ટાઉન પોલીસને મળતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકના પરિવારજનોનો સંપર્ક કરી ઘટના અંગે જાણ કરતા યુવકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટાઉન પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

મોડાસા ટાઉન પોલીસે મોહનસિંહ અમરસિંહ પરમારની ફરિયાદના આધારે સીઆરપીસી કલમ-૧૭૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.