મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: કોરોના વાઈરસને લઇને સમગ્ર દેશમાં લોક ડાઉન હતું, આવા સમયમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે કપરો સમય હતો, પણ આવા સમયમાં મોડાસામાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રિક્ષા ચાલક ઈમાનદારીની મિસાલ બન્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે માસ પૂર્વે કોલેજિયન યુવતી સલીમભાઈની રિક્ષામાં બેઠી હતી. મોડાસા કોલેજ નજીકથી યુવતી રિક્ષામાં બેઠા બાદ તે બસ સ્ટેશન જવા માટે નિકડી હતી. યુવતીનું સ્ટેશન આવતા તે ઉતરી ગઇ અને સલીમભાઈ પોતાની બીજી સવારી માટે તેઓ પોતાના રિક્ષા સ્ટેન્ડ પર પહોંચી ગયા. ત્યારબાદ રિક્ષા એક બાજુ મૂકી સાફ કરી રહયા હતા આ અરસામાં સલીમભાઈને રિક્ષામાંથી એક પાકીટ મળ્યું, જેમાં કેટલાક રોકડ નાણાં તેમજ સોનાની બે કડી હતી. રિક્ષામાંથી પાકિટ મળતા સલીમભાઈ તુરંત જ બસ સ્ટેશન બાજુ ગયા અને યુવતીને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ મળ્યા નહીં.

પાકિટમાં રહેલ ફોટાના આધારે સલીમભાઈએ યુવતીની શોધ ચાલુ રાખી તેવામાં લોક ડાઉન શરૂ થયું. લોક ડાઉન હોવા છતાં પણ સલીમભાઈ તેમના પ્રયત્નો ચાલુ રાખ્યા. આ દરમ્યાન તેમને કોલેજના એક શિક્ષક જુનેદ સાબલિયા તેમજ બેન્કમાં કામ કરતા એક અરબાઝભાઈનો  સંપર્ક કરી બધી માહિતી આપી હતી. આ બન્ને વ્યક્તિઓએ પોતાના સંપર્ક થકી પાકીટવાળા બેનને શોધી કાઢ્યા. 

યુવતીની શોધખોળ થતાં તેઓ બાયડના હોવાનું જાણવા મળ્યું અને તેમનું નામ સપના બહેન ભરવાડ હતું. સપનાબહેન પણ પાકિટને લઇને ખૂબ ચિંતામાં હતા, અને પણ તેમનું પાકિટ મળી ગયું હોવાની વાત મળતા તેઓ ઘણાં જ ખુશ થયા હતા. તેઓની તબિયત સારી ન હોવાથી પાકીટનો કબજો લેવા માટે તેમના માસા આવ્યા હતા, અને પાકિટના માલિક અંગેની ખરાઈ કરી સલીમભાઈએ પાકીટ સપના બહેનના પરિવારજનના સભ્ય કરણભાઈને સોંપ્યું હતું. સલીમભાઈ ભલે રિક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પણ તેમની ઈમાનદારીની હાલ તેઓ ઈમાનદારીની મિસાલ બની ગયા છે. આવા કપરા સમયમાં પણ તેઓ યુવતીની શોધખોળ કરીને સોનાની કડી સાથેનું પાકિટ પરત કરીને સાચા કોરોના વોરિયર્સ બની ગયા છે.