મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટના મોડાસા શહેરના માલપુર રોડ પર બની હતી. જેમાં કાર ચાલકે બાઈકને અડફેટે લઈ કાર લઇ ફરાર થઇ ગયો હતો. બાઈક સવાર યુવક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હીટ એન્ડ રનની ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ યુવકને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો. મોડાસા શહેરમાં કાર ચાલકો અને સ્પોર્ટ બાઈક ચલાવતા યુવકો રમરમાટ પસાર થતા હોવાથી છાસવારે નાના મોટા અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોવાથી  પોલીસતંત્ર લાલ આંખ કરે તે ખુબ જરૂરી બન્યું છે. 

મંગળવારની રાત્રીના ૯ વાગ્યાના સુમારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ આઈટીઆઈ નજીક બાઈક લઈ પસાર થતા જીગ્નેશ રાવળ નામના યુવકની બાઈકને કારે ટક્કર મારતા બાઈક ચાલક યુવક જીગ્નેશ રાવળ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં યુવકની સ્થિતી સ્થીર હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી. હીટ એન્ડ રનની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો હતો અને બેફિકરાઈ થી વાહન હંકારતા અને નિર્દોષ લોકોને અડફેટે લેતા વાહનચાલકો સામે પોલીસ શખ્ત કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.