મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા:  મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને નિયમનુ પાલન ન કરતા હોય તેમજ બિલ્ડીંગ યુઝ પરમીશન (કમ્પ્લીશન સર્ટિફિકેટ) નહી મેળવનાર ૭૨ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ આપી હતી. તેમજ અન્ય શૈક્ષણીક સંકુલોને નોટીસ આપી છે નગરપાલિકાની નોટિસ પછી શહેરમાં આવેલી કેટલીક હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે જાણીતી ધી ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પીટલ સામે નગરપાલિકાએ ફાયર એનઓસી ન લીધી હોવાથી રીજીયોનલ ફાયર ઓફીસરની સૂચના અને કમિશનર કચેરીના આદેશ પછી હોસ્પીટલનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું. હોસ્પિટલમાં નળ કનેક્શન કપાતા સારવાર લઇ રહેલા દર્દીઓ પાણી વગર ટળવળે તો નવાઈ નહીં નગરપાલિકાની શખ્ત કાર્યવાહીથી ટ્રસ્ટીમાં દોડધામ મચી છે. 

Advertisement


 

 

 

 

 

મોડાસા નગર પાલીકા ફાયર વિભાગે શહેરમાં  ફાયર એનઓસી વગર ધમધમતી હોસ્પિટલો અને શૈક્ષણીક સંકુલો સામે પણ આગામી સમયમાં નળ કનેક્શન અથવા વીજ જોડાણ કાપવામાં આવશેની જાહેરાત કરી છે.  મોડાસા નગરપાલીકાએ સોમવારે હોસ્પિટલોને નોટિસ આપી હતી. નગરપાલિકા ફાયર વિભાગે શખ્ત કાર્યવાહી કરતા તબીબો અને શૈક્ષણીક સંકુલના ટ્રસ્ટીઓમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરમાં બીયુ પરમીશન અને ફાયર એનઓસી અંગે નગરપાલીકા તંત્ર નોટીસ ફટકારી સંતોષ માની રહ્યું હતું. શહેરમાં મોટા ભાગની બિલ્ડિંગો બીયુ પરમીશન વગર ધમધમી રહી છે ત્યારે તેમની સામે નગરપાલિકા તંત્ર ક્યારે શખ્ત કાર્યવાહી કરશે તે જોવું રહ્યું  મોડાસા શહેરમાં મોટા ભાગના બિલ્ડીંગ અને કોમ્પ્લેક્ષ ફાયર સેફટીના નિયમનુ ઉલ્લંધન થઈ રહ્યુ છે, જે ગંભીર બાબત છે. 

મોડાસા નગરપાલીકા દ્વારા માત્ર નોટીસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે તેથી નિયમનુ પાલન થતુ નથી. પાલીકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો બી.યુ.પરમીશન મેળવવા લાઈનો લાગશે તેમ ચર્ચાય રહ્યુ છે. પરંતુ હાલનગરપાલીકાના અધિકારીઓ આરંભે સુરાની જેમ શખ્ત કાર્યવાહી કરશે કે પછી કોઈ કારણસર પાણીમાં બેસી જશે સહીતની ચર્ચાએ જોર પકડ્યું છે બી.યુ.પરમીશનના મામલે નગરપાલિકા  આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરશે કે નહી ? તેની રાહ જોવી જ રહી.