મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગેલે મોડાસા શહેર માં વીજતંત્ર દ્વારા મેઇન્ટેનન્સના નામે અનેકવાર વીજપુરવઠો બંધ કરી કામગીરી કરવા છતાં લચકાતા વીજતારના લીધે વીજકરંટ અને તણખલા ઝરતા આગ લાગવાની ઘટનાઓ અનેકવાર બની રહી છે. મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ૧૦ વર્ષીય બાળકી કેરી ખાવા આંબાના ઝાડ પર ચઢતા નજીકમાંથી પસાર થતા વીજતારને અડકી જતા વીજકરંટથી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. શ્રમિક પરિવારે ભારે આક્રંદ કરી મૂક્યું હતું. વીજકરંટની ઘટનાના પગલે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યૂલન્સ અને વીજતંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે મૃતક બાળકીની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના હજીરા વિસ્તારમાં કૃષ્ણ માર્બલની દુકાન નજીક આવેલ આંબાના ઝાડ પર લટકતી કેરી નજીકમાં રહેતા શ્રમિક પરિવારની હિના નામની ૧૦ વર્ષીય બાળકી લલચાતા કેરી ખાવા આંબાના ઝાડ પર ચઢી હતી. કેરી તોડવા જતા દુકાનની નજીકથી પસાર થતા વીજતારને અડકી જતા વીજકરંટ લાગતા દુકાનના ધાબા પર પટકાઈ તરફડીયા મારી મોત નિપજતા શ્રમિક પરિવાર અને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વીજ તંત્ર ને કરાતા વીજપુરવઠો બંધ કરી સમારકામ કરવામાં આવ્યું હતું. વીજકરંટની ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.