મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા  : રાજ્યમાં જીએસટીની ચોરી કરવા કેટલાક શખ્સો અન્ય લોકોના એનકેન પ્રકારે દસ્તાવેજ મેળવી લઇ તેનો ઉપયોગ કરી ખોટી પેઢી ઉભી કરી જીએસટી નંબર મેળવી લઇ લાખ્ખો,કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે.  કેટલાક ઇસમો અન્ય વ્યક્તિના નામે જીએસટી નંબર મેળવી તેનો ઉપયોગ કરી જીએસટી ભરવાની જવાબદારી અન્યના નામે નાખી દેવાનું રીતસરનું મસમોટું કૌભાંડ આચરવામાં આવે છે. જીએસટી વિભાગની નોટીસ આવે ત્યારે વ્યક્તીને ખબર પડતી હોય છે. કેટલીક મોટી પેઢીઓ અને કંપનીઓ તેમના કર્મચારીઓના નામે ખોટી રીતે પેઢી ઉભી કરી જીએસટીની ચોરી કરી હોવાના અનેક કૌભાંડ બહાર આવ્યા છે. ત્યારે મોડાસા શહેરના આરાધના ફ્લેટમાં બે ફ્લેટના નામે કોઈ શખ્સોએ બે જીએસટી નંબર મેળવી લીધા હોવાનું કચેરીના સ્પોટ વિઝીટમાં બહાર આવતાં ભારે ચકચાર મચી છે. 

મોડાસા શહેરના આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા શાહ મુકેશ કુમાર કેશવલાલના ફ્લેટના અને આરાધના ફ્લેટમાં જે નંબરનો ફ્લેટ નથી તે ફ્લેટ નંબરના એડ્રેસ પર દયાલ અને કુમાર ટ્રેડર્સ ના નામે બે ભૂતિયા પેઢી ઉભી કરી કેટલાક શખ્સોએ જીએસટી નંબર મેળવી લીધો હતો. મુકેશ શાહના જણાવ્યા અનુસાર એપ્રીલ-૨૦૨૧માં ઇસ્યુ પણ કરી દેવામાં આવ્યો હતો અને અંગે કચેરી તરફથી સ્પોટ વિઝીટ કરવા આવ્યા ત્યારે અમને સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી.  

Advertisement


 

 

 

 

 

જીએસટી કચેરીના છબરડાનો ભોગ બનેલ મુકેશ શાહે મોડાસા જીએસટી કચેરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે નીયમ અનુસાર કોઈ પણ પેઢી જીએસટી નંબર માંગે તો પહેલા સ્પોટ વિઝીટ કર્યા પછી જીએસટી નંબર એપ્લાય થતો હોય છે. ત્યારે અધિકારીઓએ બે પેઢીના નામે ત્રણ મહિના અગાઉ જીએસટી નંબર એપ્લાય કરી પછી તપાસમાં આવ્યા છે. તેમજ જે લોકોએ મારા મકાનના નામે જીએસટી નંબર મેળવ્યો હોય તેમના નામ આપવા લેખીતમાં માંગ કરી હોવા છતાં નામ પણ નથી આપતા તેમને આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે જીએસટી નંબર આપનાર અધિકારીને એટલું પણ ભાન નહીં હોય કે મોડાસામાં ટોરેન્ટ ઈલેક્ટ્રીસીટી છે જ નહીં અને જીએસટી નંબર માંગનાર અજાણ્યા શખ્સોએ પુરાવા તરીકે ટોરેન્ટ ઈલેક્ટ્રીસીટી બિલ મૂક્યું છે. તેમ છતાં જીએસટી નંબર એપ્લાય કરવામાં આવ્યો છે તેમને કચેરીના અધિકારીઓની કામગીરીને શંકાસ્પદ ગણાવી હતી. 

એક જીએસટીનું કામકાજ કરનાર ખાનગી વ્યક્તિએ જણાવ્યું હતું કે જીએસટી કચેરીમાં અનેક પ્રકારના ધુપ્પલ ચાલી રહ્યા છે અને આવી અનેક ભુતિયા પેઢી ઉભી કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. મોડાસા જીએસટી કચેરીમાં વિજીલન્સ તપાસ થાય તો આવા અનેક કૌભાંડ બહાર આવી શકે છે .