મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. ઉત્તર ભારતના રાજ્યોની જેમ મહિલાઓની છેડતી, અપહરણ અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને આવેદનપત્ર આપી અનુ.જાતિ સમાજના લોકો આરોપીઓને ફાંસી ચડાવવામાં આવેની માંગ કરી રહ્યા છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. ત્યારે મૃતક યુવતીના દાદા અને ફરિયાદી મહેશભાઈ કાંહ્યાભાઇ રાઠોડે પોલીસની સમગ્ર કેસમાં ઢીલી નીતિ હોવાના આક્ષેપ સાથે શનિવારે યુવતીને ન્યાય અપાવવા માટે ગાંધીનગર સે.12 આંબેડકર ભવન ખાતે લોકોને ઉમટી પડવા આહવાન કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા રાજ્ય સરકારમાં અને પોલીસતંત્રમાં ભારે હડકંપ મચ્યો છે.
 
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને સાબરકાંઠા પોલીસતંત્રની કેટલીક ટિમો સાયરા( અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ અંગે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. સમગ્ર કેસમાં શરૂઆત થી જ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો પેદા થવાની સાથે માછલાં ધોવાયા હતા અને અરવલ્લી જીલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકી લેવામાં આવે અને સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવે અને સીટની રચના કરવામાં આવેની માંગ ઉઠી છે. આ ધટનાને ૧૭ દિવસ વીતવા છતાં સતીશ ભરવાડ નામનો આરોપી પોલીસ પકડ થી દૂર છે.
 
ત્યારે મૃતક યુવતીના દાદા અને કેસના ફરિયાદી મહેશભાઈ કાંહ્યાભાઇ રાઠોડે તપાસ અધિકારી દ્વારા આ કેસની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી નો બળાપો ઠાલવી ન્યાયની માંગ સાથે આજે શનિવારે ગાંધીનગર મુકામે ડૉ.આંબેડકર ભવન સેક્ટર-૧૨ ખાતે દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ૫૦ હજારથી વધુ અનુ.જાતિ સમાજના લોકોને યુવતીના ન્યાય અપાવવા માટે સંમેલનમાં આવવા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આહવાન કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં ગુજરાતના તમામ સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ આગેવાનો હાજર રહેશેની માહિતી પ્રાપ્ત થઈ હતી.