મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરની સોસાયટી વિસ્તારમાં ઘરની ઓસરીમાં રાખેલા અને બંધ મકાનમાંથી તાળા તોડી છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસના બાટલાની ચોરી કરનાર ગેંગ સક્રિય થતા શહેરીજનોમાં ભારે ફડડટ ફેલાયો હતો રોજ બરોજ લોકોના ઘરોમાંથી ગેસ સિલીંડરની ચોરી થતી હોવાની વાત સામાન્ય બની હતી. શહેરીજનોએ રાંધણ ગેસના બાટલા ચોર ગેંગથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગુરુવારે રાત્રીના સુમારે માણકેબગ સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી ગેસના બાટલાની ચોરી કરી ફરાર થવાની પેરવી કરનાર શખ્શને સોસાયટીના રહીશોએ સિલીંડર સાથે ઝડપી પાડતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી ગેસની બોટલ ચોરનાર શખ્શને દબોચી લીધો હતો અને રાંધણ ગેસ બોટલ ચોરતી ગેંગનો પર્દાફાશ થયો હતો.

મોડાસાની માણેકબાગ સોસાયટીમાં રાત્રીના સુમારે એક બંધ મકાનનું તાળું તોડી ગેસની બોટલની ચોરી કરનાર અમન ભાઈ બાબુ ભાઈ ઠાકોરને ચોરેલ ગેસની બોટલ સાથે રહીશોએ ઝડપી પાડી મોડાસા ટાઉન પોલીસને સોંપતા પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આ ગુન્હાહિત કૃત્યમાં મદદગારી કરનાર કડીયાવાડામાં ગેસ રિપેરીંગની દુકાનધારાવાતા જગદીશ ઉર્ફે ભૂરો પ્રતાપસિંહ જૈન (શાહ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી શહેરના મોટી વ્હોરવાડમાં રહેતા ઈમરાન અબ્દુલ રહેમાન ઈસરીવાલા ઘરે ઓચિંતો છાપો મારી ૪ ગેસની બોટલો કબ્જે લઈ રાંધણ ગેસની બોટલો ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

ચર્ચા છે કે, રાંધણ ગેસની ચોરેલી બોટલોનો કાળો કારોબાર થતો હોવાનો અને કનેક્શન વગર ઘરેલુ ગેસની બોટલ ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયામાં ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહી છે. કેટલાક ધંધાર્થીઓ આવી ચોરી કરેલા રાંધણ ગેસની બોટલનો કોમર્શીલ ઉપયોગ કરતા હોવાની પણ વાત છે ત્યારે આ ગેંગનો રેલો મોટા માથાઓ સુધી પહોંચે તો નવાઈ નહીં...?