જય અમીન (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે થયેલા અગ્નિકાંડમાં ૮ લોકો પોતાના બેડ પર જીવતા ભડથું થઈ ગયા હતા. ત્યારબાદ ભારે હોબાળો બાદ ફાયર વિભાગના અધિકારીઓ અને સરકારી તંત્રની ઊંઘ ઉડી હોય તેમ સમગ્ર રાજ્યની તમામ ખાનગી અને સહકારી હોસ્પિટલોમાં ફાયર એનઓસી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા શહેરની અને જીલ્લાની ખાનગી, મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી, તેમ છતાં તંત્રની રહેમનજરે ધમધમાટ ચાલી રહી છે. મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં પણ ફયાર સેફટી માટે અગ્નિશામક ફાયર સિલિન્ડરના બોટલ મૂકી રાખવામાં આવી છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણેની ફાયરસેફટી નો કોવીડ-૧૯ હોસ્પિટલમાં અભાવ હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ખાતામાં ચાલતી લાલીયાવાડી ઉજાગર થઈ છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલી એક પણ ખાનગી કે ટ્રસ્ટની હોસ્પિટલ ફાયર સેફટીનું એન. ઓ. સી. ધરાવતી નથી.મોટાભાગની હોસ્પિટલો નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમને કયારે ફાયર એન.ઓ.સી.મળી શકે તેમ નથી. મોડાસા શહેરમાં આવેલી નાની-મોટી ૭૦ થી વધુ હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી.ધરાવતી ન હોઈ આરોગ્ય તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા. 

એક વર્ષ પહેલા સુરત તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બાદ સરકાર સફાળી જાગી અને ટયુશન કલાસીસ, હોસ્પિટલો, હોટલ, ફેકટરીઓ, એપાર્ટમેન્ટો સહિતના એકમોને સેફટી સિસ્ટમ લગાડીને તે અંગેનું એન.ઓ.સી.સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત બનાવી દીધું હતું.શરૂઆતમાં નગરપાલિકાએ દોડધામ કરી હતી, પરંતુ પછીથી જૈસે થેની સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધમધમતી મોટાભાગની હોસ્પિટલો પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી. સર્ટિફિકેટ નથી. શહેરની કેટલીક હોસ્પિટલોમાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા નથી.એન્ટ્રી અને એક્ઝિટ એકજ ઠેકાણે થી થઈ શકે છે. હોસ્પિટલોના દરેક માળ નિયમ મુજબ ની પહોળાઈ કે પેસેજ નથી.એર સરકયુલેશનની પુરતી વ્યવસ્થા નથી.

મોટા ભાગની હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમ મુજબની સિસ્ટમ નથી.તો કયાંક ફાયર સેફટી માત્ર શોભાના ગાંઠીયા સમાન છે.  જયારે અરવલ્લી જિલ્લો આરોગ્યની દ્દષ્ટિએ અવ્વલ છે  જેને કારણે અહી રાજસ્થાનથી દર્દીઓ સારવાર કરાવવા માટે આવતાં હોય છે.પણ તેઓ હાલ જીવના જોખમે અહી સારવાર લઈ રહયા હોય તેવું લાગી રહ્યું છે.

મોડાસા અને વાત્રક બંને કોવિડ-૧૯ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં કોરોના સામે લડી રહેલા ૮ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. હોસ્પિટલના મેનેજમેન્ટની બેદરકારી સામે રાજયભરના લોકોમાં પારાવાર રોષની લાગણી જન્મી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા બે કોવિડ-૧૯ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળતા શ્રેય હોસ્પિટલ વાળી ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.

મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહના જણાવ્યા અનુસાર 

મોડાસા શહેરમાં ધમધમતી ૭૦ થી વધુ ખાનગી અને ટ્રસ્ટની  હોસ્પિટલોમાં ફાયર સેફટી વિશે મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહે જણાવ્યું હતું કે ફાયર સેફટીની એન.ઓ.સી. ગાંધીનગરથી અપાતી હોય છે. જેથી ફાયર સેફટીની એનઓસી આપી હોય તેવી અમારી પાસે કોઈ જાણકારી આવેલી નથી. જેથી અમારા ચોપડે ફાયર સેફટીની એનઓસી ધરાવતી કોઈ હોસ્પિટલ નથી.