મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ડુંગર અને જંગલમાં આગ લાગવાની સતત ઘટનાઓ બનતા વનરાજી બળીને ખાખ થઈ જવાની સાથે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું પણ જીવનું જોખમ ઊભું થતા પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં વસવાટ કરતા ગ્રામ્ય વિસ્તારો અને જંગલ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સતત રહસ્યમય આગ લાગવાની ઘટનાઓથી ચિંતિત બન્યા છે વનવિભાગ તંત્ર આગ લાગવાનું કારણ શોધવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા વનસંપદા આગમાં શ્વાહા થઇ રહી છે.

અરવલ્લી જીલ્લામાં બે દિવસમાં ડુંગર પર અને જંગલ વિસ્તારમાં ઉપરાછાપરી આગ લાગવાના બનાવ બનતા વનવિભાગ તંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે. મોડાસા પંથકમાં શુક્રવારે દધાલિયા, માથાસુલીયા અને શામળાજી નજીક આગ લાગવાના ૨૪ કલાકથી ઓછા સમયમાં ટીંટોઈ નજીક જોર વિસ્તારના ડુંગરો પર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પવનની ગતિ સાથે પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો અને વનવિભાગના ૧૫ જેટલા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. ડુંગર પર આગ લાગતા વન સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું.

અરવલ્લી જીલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં ડુંગર અને જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ચાલુ સાલે સતત અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા આગ કેટલાક ચોક્કસ તત્વો દ્વારા લગાડવામાં આવતી હોવાની સાથે આગ લગાડતા પહેલા જેતે વિસ્તારમાંથી કિંમતી લાકડું અને જલાઉ લાકડાની તસ્કરી કર્યા પછી આગ લગાડી દેવામાં આવતી હોવાની ચર્ચા દરેક મોંઢે થઈ રહી છે. પર્યાવરણ પ્રેમીઓએ તો આગ લાગવાના ષડયંત્રમાં સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત પણ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.