મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ જમાવટ કરી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. શની-રવીની રજાઓમાં બંધ મકાન,દુકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ચોરી-લૂંટ કરી રફુચક્કર થઈ જતા રહેણાંક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા માંગ પ્રબળ બની છે. મોડાસા શહેરની પાંચજયોત  સોસાયટીમાં રહેતા મહિલા તેમના પરિવાર સાથે તેમના પિતાના મરણોત્તર પ્રસંગમાં બહાર જતા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૨.૩૦ હજાર રોકડા અને સોના ચાંદી મળી ૭ લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ટાઉન પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ પ્રાથમિક તપાસ હાથધરી હતી. 

ભેસાવાડાના અને છોટા ઉદેપુર ધંધો કરતા પરેશભાઈ રમણભાઈ પટેલના પત્ની મોડાસા શહેરની પંચજ્યોત સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે ત્યારે બે દિવસ અગાઉ તેમના સસરાની મરણોત્તર પ્રસંગમાં તેમના પત્ની મકાનને લોક મારી ગયા હતા. ત્યારે ઘરની બહાર આવેલી લોખંડી જાળી તોડી બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરના દરવાજાના તાળુ-નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરની અંદરની તીજોરી,કબાટ સહિત લોકર તોડી નાખી ૨.૩૦ લાખ રોકડા, ૧૦ કિલો ચાંદી અને ૭ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંદાજે ૭ લાખથી વધુ રૂપિયાની રોકડ સહિત દર દાગીના ની ચોરીની આ ઘટનાએ નગરમાં ચકચાર મચાવી હતી બંધ મકાનમાં ધીંગી ચોરીની ખેપ મારી તસ્કરો ફરાર થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી.