મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: દિવાળી પહેલા ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ભાવ સરકારે જાહેર કરેલ ટેકાના ભાવની આસપાસ મળી રહેતા ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળી વેચાણ કરતા ખરીદકેન્દ્રો પર કાગડા ઉડતા હોય તેવી સ્થિતી જોવા મળતી હતી. દિવાળી તહેવારો પછી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ અપુરતા મળતા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર લાઈન લગાવી દીધી છે. મોડાસા અને માલપુર ખરીદ કેન્દ્ર પર ૫૦ થી વધુ ખેડૂતો મગફળી લઈ પહોંચતા વાહનોની લાઈન લાગી હતી ખરીદ કેન્દ્રો મગફળીથી ઉભરાઈ રહ્યા છે. 
 
અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે તંત્રે ૭ કેન્દ્ર શરૂ કરાયા છે જીલ્લાના ૨૦૬૧૩ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મોડાસા તાલુકામાં ૪૦૭૬ જેટલા ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જીલ્લાના ખરીદ કેન્દ્રો પર અનેક અડચણોથી ખેડૂતો ત્રાહિમામ બન્યા છે. મોડાસાના બાજકોટ માર્કેટયાર્ડમાં ઉભા કરાયેલ ટેકના ભાવે મગફળી કેન્દ્ર પર બે જ વજન કાંટા હોવાથી મગફળીની ધીમી ખરીદી થતા ખેડૂતોની હાલત કફોડી બનતા આ અંગેનો અહેવાલ મેરાન્યૂઝમાં પ્રસિદ્ધ થતા તંત્રેએ વધુ બે કાંટા વધારતા મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. 

ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર મગફળીમાં વધુ કપાત કરવામાં આવતી હોવાની બૂમો ઉઠી છે. સરકારે પ્રતી બારદાન ૩૧.૨૦૦ કિલોગ્રામ ભરવાનો નિયમ બનાવ્યો છે ત્યારે ખેડૂતો પાસેથી પ્રતિ બારદાન ૨૫૦ થી ૩૦૦ ગ્રામ વધુ કપાત કરવામાં આવતી હોવાની બૂમ ઉઠી છે.