મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મેહસાણા જીલ્લાના ખેરાલુનો અને મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં પાંચમાં સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પરીક્ષાનું છેલ્લું પેપર આપી દીધા પછી ઘરે પરત ફરતા સમયે અગમ્ય કારણોસર હિંમતનગર શહેરમાં ટાવર પાસેના રેલ્વે ઓવરબ્રીજ પર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. વિધાર્થીએ આત્મહત્યાની કોશિશ કરતા ભારે ચકચાર મચી હતી. તેણે પોતાનું જ ગળું કાપતાં દરમ્યાન સેલ્ફી લીધાનું સામે આવ્યું છે. મૂળ ખેરાલુના સોની પરિવારના વિદ્યાર્થીએ હિંમતનગર ખાતે જાહેરમાં અચાનક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ખેરાલુના મિતેશ ભરતભાઈ સોની નામના વિદ્યાર્થીએ હિંમતનગર શહેરમાં આપઘાત કરવા કોશિશ કરી હતી. અચાનક પુલ ઉપર આવી મોતનો કૂદકો માર્યો હતો. નીચે પડ્યા બાદ આત્મહત્યા કરવા વધુ પ્રયત્ન કર્યો હતો. જેમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગળું કાપતાં સેલ્ફી પણ લીધી હતી. ગળું કાપ્યા બાદ વિધાર્થીએ મોબાઈલમાં સેલ્ફી લઇ ફોટો પાડવા પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનો માટે આભ ફાટી પડ્યું હોય તેવું બન્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટના બાદ આજુબાજુના લોકોએ એકઠા થઇ 108ને જાણ કરી હતી. વિદ્યાર્થીની હાલત નાજુક હોઇ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિંમતનગર સિવિલમાં ગંભીર ઘાયલ વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે  વધુ સારવારની જરૂર હોવાથી તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હિમતનગર એ ડીવીઝન પોલીસે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.