મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લામાં ટાઉન પ્લાનીંગ અધિકારી અને તેના વચોટિયાની એસીબી ટ્રેપની શાહી સુકાઈ નથી. ત્યારે મોડાસા શહેરમાં વધુ એક મસમોટું કૌભાંડ આચરાયું હોવાની બૂમો વચ્ચે  યુજીવીસીએલ કચેરી  હિંમતનગર સર્કલ વિજિલન્સની ટીમે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં છેલ્લા બે દિવસથી ધામા નાખી ગરીબોના મંજુર થયેલા ૮૦૦ જેટલા ગેરકાયદેસર વીજ મીટરના જોડાણ પૈસાદાર લોકોને ત્યાં નાખી દઈ રોકડી કરી લેવામાં આવી હોવા અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ કૌભાંડમાં જીઈબીના એક અધિકારી સહીત કેટલાક કર્મચારીઓ અને નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓની સંડોવણી પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજીબાજુ આ અંગે વિજીલન્સ ટિમ પણ બંધ બારણે તપાસ આદરી હોવાથી આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાથી તરહ તરહની ચર્ચાઓને વેગ મળી રહ્યો છે.
 
મોડાસા શહેરમાં વીજ કચેરીના એક ઉચ્ચ અધિકારીએ શહેરના ગરીબ વિસ્તાર એવા સર્વોદય નગર વિસ્તાર સહીત અન્ય શ્રમિક વિસ્તારોમાં ગરીબોના નામે મંજુર થયેલા વીજ મીટર માલેતુજાર લોકોના ઘરે નાખી દઈ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાના પ્રમાણપત્ર પર સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગરીબોના ઘરે નાખવાંના મીટર પૈસાદાર લોકોના ઘરે લગાવી દેવામાં આવ્યા હોવાની જાણ હેડ ઓફિસ થતા હેડ ઓફિસ દ્વારા તાબડતોડ હિંમતનગર સર્કલની વિજિલન્સની ટીમને તપાસના આદેશ આપતા વિજિલન્સની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરતા સમગ્ર કૌભાંડનો રેલો મોડાસા જીઈબી કચેરીમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહીત મોડાસા નગર પાલીકા સુધી પહોંચે તો નવાઈ નહિ હાલ તો વિજીલન્સ ટીમના અધિકારીઓ બંધ બારણે તપાસ કરતા હોવાથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે કે સમગ્ર કૌભાંડ બહાર આવશે કે પછી બંધ બારણે ભીનું સંકેલાઇ જશે સહીત નું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.