મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: બીપીએલ લાભાર્થી, અનુસૂચિત જાતિ જન જાતિ ના જરૂરતમંદ પરીવારોને નિઃશુલ્ક વીજ મીટર આપવાનું અને આવા મીટરો ના વીજ બીલોમાં પણ સરકાર દ્વારા રાહત આપવાની ઝુંપડપટ્ટી વીજકરણ યોજના અમલમાં મૂકાઈ છે.પરંતુ આવા સાચા લાભાર્થી ઓનો હક ઝૂંટવી મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેર એસ એન પટેલે કેટલાક મળતીયાઓ સાથે મળી ગરીબોના ૮૦૦ થી વધુ વીજ મીટર પૈસાદાર લોકોના બંગ્લોઝમાં લગાવી દઈ લાખ્ખો રૂપિયા રોકડી કરી લેવામાં આવી હોવાની ફરિયાદ થતા વીજ વિભાગની મહેસાણા અને સર્કલ કચેરીના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. વિજિલન્સની તપાસ બાદ આખરે જુનિયર એન્જીનીયર એસ એન પટેલની સંડોવણી હોવાનું ખુલતા ચીફ એન્જીનીયર પી બી પંડ્યાએ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેતા વીજતંત્રના કેટલાક લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડના ચીફ ઓફિસર પી બી પંડ્યાએ મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જીનીયર એસ.એન.પટેલને સરકારી સ્કીમના મીટર લાભાર્થીના ઘરે લાગવાના બદલે અન્ય લોકોના ઘરે લગાવી દેવામાં આવ્યા હોવાથી આર્થિક નુકશાન થતા અને બિલીંગ વિભાગના સિનિયર આસિસ્ટન્ટના લોગ ઈન આઈડી નો દૂર ઉપયોગ કરવા માટે સસ્પેન્ડ કરી મહેસાણા હેડ ઓફિસ પર તાત્કાલીક હાજર થવા ફરમાન કર્યું છે.
 
વીજ વિભાગ કચેરીના બે દલાલો દ્વારા જુનીયર એન્જીનીયરે કૌભાંડ આચર્યું હોવાની બુમો ઉઠી હતી 

ઝુંપડપટ્ટી વીજ કરણ યોજનામાં લાભાર્થીનો નગરપાલિકા કે ગ્રામ પંચાયતના દાખલાના આધારે નિઃશુલ્ક વીજ મીટર આપવામાં આવે છે.અને આવા મીટર ના બીલમાં યોજના હેઠળ લાભ પૂરો પડાય છે.પરંતુ મોડાસા નગર અને તેની આસપાસના વિસ્તારોમાં બહારથી આવેલ એક ઈજનેર ના છત્રછાયા નીચે ગેંણા અને મનસુરી તરીકે ઓળખાતા બે દલાલો દ્વારા આવા સંખ્યાબંધ મીટરો રૂ.૬ હજારમાં વેચી બંગલાઓમાં લગાવી દેવામાં આવ્યા હોવાની લેખીત ફરીયાદ વીજ વિભાગની ઉચ્ચ કચેરી મહેસાણા ખાતે કરાઈ હતી.આ અરજી કરનાર અરજદારે ઉચ્ચ અધિકારીઓને સચોટ અને પુરાવા સહિતની માહિતી પૂરી પાડતાં છેલ્લા એક અઠવાડીયામાં બે વાર વીજીલનસ તપાસ હાથ ધરાઈ હતી.