મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જીલ્લા ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા રોયલ્ટી પાસ વગર મોટા પ્રમાણમાં ખનીજ વહન થઇ રહ્યું છે. મોડાસા બાયપાસ રોડ પર ખનીજ તંત્રના ચેકિંગમાં એક આઈવા ડમ્પર રોયલ્ટી પાસ વગર ઝડપાતા ડમ્પર ડિટેન કરી ડમ્પરમાં બે સિક્યુરિટી ગાર્ડ સાથે વિભાગની કચેરીએ લઈ જવાતું હતું. ડમ્પર ચાલક ચાલુ વાહને કૂદી પડતા ડમ્પર બેકાબુ થઈ રોડ સાઈડ ઉતરી પડી બાઈકને અડફેટે લઈ વીજપોલ સાથે અથડાતા ભારે હો...હા... મચી હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

અરવલ્લી જીલ્લા ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ માહેશ્વરી અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા ચેકિંગમાં ઉભા હતા. રોયલ્ટી પાસ વગર ખનીજ ભરી પસાર થતા ડમ્પર (ગાડી.નં.GJ 31 T  0569) ને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા બે સિક્યુરિટી ગાર્ડ સાથે જીલ્લા સેવાસદન ખાતે આવેલ ખાણખનીજ વિભાગની કચેરી લઈ જવામાં આવી રહી હતી. કાયદેસરની કાર્યવાહીથી ફફડી ઉઠેલા ડમ્પરના ડ્રાઈવરે તિરૂપતિરાજ વીલા બંગ્લોઝ પાસે ચાલુ ડમ્પરે કૂદકો મારી નાસી છૂટતા ડમ્પર રોડ પરથી ઉતરી નજીકમાં નિર્માણ થઈ રહેલા કોમ્પ્લેક્ષ પાસે ફંટાયું હતું અને બાઈક અને વીજપોલ સાથે અથડાતા કડૂચલો વળી ગયો હતો. સદનસીબે ડમ્પર વીજપોલ સાથે અથડાઈ ઉભું રહી જતા ડમ્પરમાં સવાર બે સિક્યુરિટી ગાર્ડનો આબાદ બચાવ થયો હતો. ખાણખનીજ તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથધરી પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મોડાસા બાયપાસ રોડ પરથી પસાર થતું ડમ્પર રોડ પરથી ઉતરી જઈ બાઈક અને વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા દોડતા ડમ્પરે કૂદકો મારી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક સામે રોષ પ્રગટ કરી ભારે ફિટકાર વરસાવી હતી.