મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મુંબઈમાં કોરોના મહામારીને નાથવા તમામ પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં કોવિડ-૧૯નો ઉપદ્રવ કાબૂમાં આવતો નથી. રોજેરોજ દર્દીની સંખ્યા વધતી જાય છે.કોરોના કહેરના પગલે મુંબઈ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને ૧,૨૧૨ પહોંચી છે સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફેરવી દઈ કોરોના પોઝેટીવ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે ત્યારે મોડાસાની ૨૨ વર્ષીય તબીબ યુવતી કેયા પ્રજાપતિ મુંબઈના ભાયખલ્લા એરિયાની મશીના હોસ્પિટલમાં ખડેપગે કોરોના વોરિયર્સ તરીકે જવાબદારી નિભાવી રહી છે.

મોડાસા શહેરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ ર્ડો.કંદર્પ પ્રજાપતિની ૨૨ વર્ષીય પુત્રી ર્ડો.કેયા પ્રજાપતિ મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં આવેલી મશીના હોસ્પિટલમાં સાયકિયાટ્રીસ્ટ તરીકે માસ્ટર ડિગ્રી કરી રહી છે મહારાષ્ટ્રમાં અને મુંબઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા મોટા ભાગની હોસ્પિટલ કોવીડ-૧૯ માં તબદીલ કરવામાં આવી છે મશીના હોસ્પિટલમાં રેસિડેન્સ તબીબ તરીકે ફરજ બજાવતી હોવાથી કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે જોડાઈ હોસ્પિટલમાં કોરોના પોઝેટીવ દર્દીઓને ખડેપગે સારવાર આપી રહી છે હાલ ખાનગી હોસ્પિટલના કેટલાક તબીબો કોરોના મહામારીમાં દવાખાના બંધ કરી ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે ર્ડો.કેયા પ્રજાપતિ કોરોના યોદ્ધા તરીકે પીપીઈ કીટ પહેરી કોરોના સામેના યુદ્ધમાં નિષ્ઠાવાન સૈનિકની ભૂમિકામાં અડીખમ ઉભી રહી અન્ય તબીબોને કોરોના સામેના જંગમાં ઉતારવા પ્રોત્સહન આપી રહી છે.

ર્ડો. કેયા પ્રજાપતિના પિતા ર્ડો.કંદર્પ પ્રજાપતિના જણાવ્યા અનુસાર હાલ તેમની પુત્રી મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં આવેલ મશીના હોસ્પિટલમાં રેસિડેન્સ તબીબ તરીકે એકલી રહી મનોચિકિત્સક તબીબનો ઉચ્ચ અભ્યાસ કરી રહી છે ભાયખલ્લા વિસ્તારમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ હોવાથી મશીના હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફેરવતા ર્ડો.કેયા પણ કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની કપરી સ્થિતિમાં તબીબ ધર્મ નિભાવી રહી છે અને આ ઘડી તબીબ પિતા માટે ગૌરવપૂર્ણ બની રહી છે