મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી સમયે અચ્છે દિનની વાતો બૂમરેંગ સાબીત થઇ રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોના બુરી દિન શરૃ થયા હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૃરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે.સમગ્ર રાજ્યમાં કપચી, રેતી, મેટલ પુરી પાડતા વડાગામ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ધનુસરા ટ્રાન્સપોર્ટ એસોસિએશને ડીઝલના ભાવ સતત વધી રહ્યા હોવા છતાં ભાર વાહક વાહનોનું ભાડું ન વધતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા વિકાસના કામોને ભારે અસર પહોંચશે.

ધનસુરા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને વડાગામ ખાતે બેઠક બેઠક યોજી ડીઝલમાં થઇ રહેલો સતત ભાવ વધારો થઇ રહ્યો છે તેમ છતાં રેતી-કપચી અને મેટલનું વહન કરતા ટ્રક-ડમ્પર સહીત ભાર વાહક વાહનોના ભાડામાં વધારો ન થતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓની હાલત કફોડી બનતા ભારે નુકશાન સહન કરવું પડતું હોવાથી સોમવાર થી ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા ક્વોરી ઉદ્યોગ અને વિકાસના કામોને માઠી અસર પહોંચી શકે છે.