મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: કોરોનાના કહેરમાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. કેટલાક પરિવારોમાં એક સાથે ત્રણ થી ચાર લોકોને કોરોના ભરખી ગયો છે. મોડાસા તાલુકાના લીંભોઇ ગામે એક મહિનામાં પતિ-પત્નીને કોરોના ભરખી જતા ત્રણ પુત્રીઓ પર આભ તૂટી પડ્યું છે. લીંભોઇ ગામે ત્રણ પુત્રીઓએ પોતાના મૃતક પિતાને કાંધ આપી અને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મંગળવારે રાત્રીના સુમારે આ ત્રણે દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો. દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી હતી. 

હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં પુત્ર અર્થીને કાંધ આપે છે, પરંતુ મોડાસાના લીંભોઇ ગામે ત્રણ પુત્રીઓએ પિતાને કાંધ આપતાં હ્યદયદ્રાવી દ્રશ્યો સર્જાયા હતા.ખાનગી કંપનીમાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતા સુરેશ ભાઈ રાઠોડને કોરોના થયા પછી તેમના પત્ની સંક્રમીત બન્યા હતા. તેમના પત્નીને કોરોના ભરખી ગયા પછી કોરોના સામે ૫૨ દિવસ જંગ લડ્યા પછી આખરે કોરોના સામે જંગ હારી જતા ત્રણે પુત્રીઓએ એક મહિનાના ટૂંકા ગાળામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. મંગળવારે રાત્રે સુરેશભાઈનું દુઃખદ અવસાન થતા તેમની સગી ૩ દીકરીઓ  અને પરિવારજનોએ કાંધ આપી દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. જે કૂખમા રમી ભમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે દીકરીઓએ હ્રદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા.

ત્રણે દીકરીઓએ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે  'અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. લીંભોઇ ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા. ત્યારે આ પરિવારના દુખમાં ભાગીદાર બનવા માટે ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.