મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રોડની દુર્દશા થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ વર્ષે દહાડે લાખ્ખો રૂપિયા પ્રજાજનોના ટેક્ષના રૂપિયા ધૂળધાણી કરતા હોય તેમ ઠેર ઠેર રાજમાર્ગો ધોવાતાં ખાડા માર્ગમાં પરિવર્તિત બન્યા છે અનેક જગ્યાએ ખુલ્લી ગટરો લોકો માટે મોતના કુવા સમાન ભાસી રહી છે શહેરની વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનમાં  અનેક જગ્યાએ ભંગાણ સર્જાવાની સાથે ઢાંકણ પણ ગટરમાં વહી ગયા છે ત્યારે મોડાસામાં આકાર લઇ રહેલ અત્યાધુનીક આઇકોનિક બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ સર્જાવાની સાથે ખુલ્લી હોવાથી ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓને જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ક્રેઈનની મદદથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી શહેરીજનોમાં ગટરલાઈન પર થયેલ ભંગાણનું સમારકામ કરવામાં આવે તેમજ ઢાંકી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે

મોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પસાર થતી ગટરલાઈનમાં ભંગાણ સર્જાતા અને ઢાંકણ પણ ન હોવાથી ગાય ખોરાકની શોધમાં ગટરમાં ખાબકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને જીવદયા પ્રેમી તરીકે જાણીતા નીલેશ જોશીનો સંપર્ક કરતા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગાયને બહાર કાઢવા ક્રેનની મદદ લઈ ગાયનું ગટર માંથી રેસ્ક્યુ ઓપરેશન કરી ભારે જહેમત બાદ સફળતા મળી હતી ગાયને સામાન્ય ઈજાઓ થતા સારવાર આપી હતી મોડાસા નગરમાં ખુલ્લી ગટરોમાં પશુઓના પડી જવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે આ પ્રકારની ખુલ્લી ગટરો સત્વરે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

મોડાસા શહેરમાં વિકાસના નામે અનેક સ્થળે ખાડા ખોદી ખુલ્લા રાખી દેવામાં આવતા હોવાની અને ગટરલાઈન પર માટી નાખી દેવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ અને ઢાંકણ વિહોણી ગટરો કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે