મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે કોવીડ હોસ્પિટલ અને આઈસોલેશન વોર્ડ અને કોરન્ટાઇન વોર્ડ ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબદ્ધ કર્યાના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. અરવલ્લી જીલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે કોવીડ હોસ્પિટલ મોડાસામાં ૪ દિવસથી શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ થયેલા વૃદ્ધને ચાર દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પણ આપવામાં ન આવતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રએ કોરોનામાં થઈ રહેલી કામગીરીના ફૂલવેલા ફુગ્ગાની હવા નીકળી ગઈ હતી. હાલ તો દર્દીઓ ભગવાન ભરોશે કોરોના સામે જંગ લડી રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી અને સમગ્ર ઘટનાને ઢાંકવા પ્રયત્નો હાથધર્યા હતા દાદા અને પૌત્ર બંને હાલ સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં છે સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર પૌત્રનો કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા પરિવારજનો ચિંતિત બન્યા છે જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૧૧૧ પર પહોંચ્યો હતો.
          
અરવલ્લી જીલ્લામાં કોરોના પોઝેટીવ અને શંકાસ્પદ કોરોનાના દર્દીઓ માટે મોડાસાની સાર્વજનિક અને બાયડની વાત્રક હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. બંને કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અંગે સમયાંતરે દર્દીઓ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા રહે છે વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થતું હોય છે આરોગ્યતંત્ર કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પડતી તકલીફ અંગે આંખ આડે કાન કરતા દર્દીઓએ સોશ્યલ મીડિયાનો સહારો લેવો પડે છે પરંતુ કેમ જાણે આરોગ્ય તંત્ર સુધારવાનું નામ લેતું નથી તે અંગે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. 

મોડાસાની કોવીડ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર અર્થે દાખલ થયેલા દાઉદભાઈ સુથાર નામના વૃદ્ધને છેલ્લા ૪ દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ છે કે નેગેટિવ તે અંગે પણ આરોગ્યતંત્ર જવાબ સુધ્ધો ન આપતા અને સારવારના અભાવે વૃઘ્ધની દિવસે ને દિવસે હાલત ખરાબ થતા અને દર્દથી કણસતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો અને મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સગવડ આપવામાં આવતી હોવાના તંત્રના દાવાની હવા નીકળી ગઈ હતી.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે જંગ જીતવા સજ્જ હોવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ જીલ્લામાં કોરોનાના દર્દીઓ અને  કોરોનાના ભય હેઠળ જીવતા જીલ્લાના પ્રજાજનો ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.