મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સતત વધતા કોરોના કેસને લઈ આરોગ્ય તંત્ર દ્વારા જીલ્લામાં રેપીડ ટેસ્ટ કરી રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ દર્દીઓને હોમક્વોરન્ટાઇન અને જરૂર લાગે તો હોસ્પિટલમાં સારવાર આપી રહ્યું છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો ત્યારથી આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે રાજ્ય આરોગ્ય તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્રના કોરોનાના આંકડામાં મોટો તફાવત જોવા મળતા લોકોમાં આરોગ્ય તંત્રીની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. રાજ્ય આરોગ્ય તંત્ર ૫૩૪ કેસ જાહેર કર્યા છે તો આરોગ્ય તંત્ર જીલ્લામાં ૪૫૯ કેસ જ નોંધાયા હોવાનું ગાણું ગાઈ રહ્યું છે. રાજ્ય આરોગ્ય તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્રના કોરોનાના ૭૫ કેસનો તફાવત જોવા મળી રહ્યો છે. જીલ્લા આરોગ્ય તંત્રની આંકડાકીય રમત ખુલ્લી પડી જતા આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયો છે.

અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના કેસ સરકારી ચોપડે કાબુમાં લેવામાં સફળ રહ્યું હોય તેમ કોરોનાના આંક સંતાડી રહ્યું હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે, ત્યારે અરવલ્લી જીલ્લામાં  કોરોના બેકાબુ બન્યો હોવાની સાથે લોકો ટપોટપ કોરોનામાં સપડાઈ રહ્યા હોવાની સાથે મોતને ભેટી રહ્યા હોવા છતાં લોકો બિંદાસ્ત અને લાપરવાહી દાખવી રહ્યા છે. માસ્ક પહેરવાનું પણ મુનાસીબ માની રહ્યા નથી અને એમ તો કઈ કોરોના થતો હશે તેમ માની રહ્યા છે. શહેરમાં માસ્ક પહેરવાની અમલવારી અને દંડાત્મક કાર્યવાહી કરી હવે મોડાસા નગરપાલિકા અને પોલીસ પણ થાકી હોય તેમ સરકારી ગાઈડલાઈનની કામગીરી કોરાણે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

અરવલ્લી જીલ્લામાં કોરોના મહામારી ખુબ જ વકરી રહી છે. અહિં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ સતત પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમીત દર્દીઓના  મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.