મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કોરોના સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું દેખાઈ આવે છે.છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. સરકારી ચોપડે કોરોના સંક્રમણ અને મોતના આંકડાની ગોલમાલ થઇ રહી હોવાના દ્રશ્યો મોડાસા શહેરમાં આવેલ સ્મશાનમાં જોવા મળ્યા હતા. જેમાં એક સાથે ત્રણ ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધિ સરકારી ગાઈડલાઈન પ્રમાણે આરોગ્યતંત્રના કર્મચારીઓની ઉપસ્થિતી વચ્ચે પીપીઈ કીટ પહેરીને કરવામાં આવતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને લોકો પણ ફફડી ઉઠ્યા હતા. મોડાસાના દુઘરવાડા અને મેઘરજના ઇસરી પંથકની મહિલાને કોરોના ભરખી જતા લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરના સ્મશાનમાં મહાનગરો જેવી સ્ફોટક સ્થીતી જોવા મળી રહી છે. જીલ્લાવાસીઓ તેમના સ્વજનની અંતિમવિધિ માટે લાઈનમાં ઉભા રહેવું પડે તેવી સ્થીતીનું નિર્માણ થઇ રહ્યું છે. 

અરવલ્લી જીલ્લા કલેકટરે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્ર્મણ રોકેટ ગતિએ વધતા બેકાબુ બહાર થઇ રહેલી સ્થીતીને પહોંચી વળવા માટે જીલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. જો કોઈ અધિકારી કે કર્મચારીએ અગાઉથી સક્ષમ અધિકારી કે વિભાગ તરફથી મંજુર થયેલ રજા પણ આપોઆપ રદ કરવાનો પરિપત્ર જાહેર કરી તાત્કાલિક અસરથી ફરજ પરનાં સ્થળે હાજર થવા તાકીદ કરી છે અને જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અધિકારીએ રજા નહીં લેવા કાળજી રાખવાનો આદેશ કર્યો છે. જીલ્લા કલેકટરે લીધેલા નિર્ણયથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ જીલ્લામાં કોરોનાનું સંક્રમણની સ્થીતી ભયજનક રીતે આગળ વધી રહી હોવાનું જણાવી રહ્યા છે. 

અરવલ્લી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. દિન-પ્રતિદિન વધતા જતા કેસોને પગલે તંત્રની ચિંતાઓ વધવા પામી છે. જિલ્લામાંથી સતત કોરોના પોઝીટીવ કેસો મળી આવતા તંત્રની ચિંતાઓ વધવા પામી છે અને નાગરિકોમાં પણ ભયની લાગણી વ્યાપી ગઈ છે. વધી રહેલા સંક્રમણને જોતા કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે ત્યારે નાગરિકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે.