મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાની સ્થિતિ વકરતા તંત્રને રાત્રી કર્ફયુ લાદવાની ફરજ પડી છે. ત્યારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. કોરોનાની સ્થીતી હજુ કાબુમાં હોવાનું અને સબસલામતના દાવા થઇ રહ્યા છે ત્યારે શહેરમાં કર્ફયુની સ્થિતિ લાવવી કે નહી તે હવે શહેરીજનોના હાથમાં છે. તજજ્ઞોનું માનીએ તો શહેરમાં હાલ કોરોના સંક્રમણ અંકુશમાં હોવાનું જણાય રહ્યું છે. ત્યારે શહેરીજનો પોતાની જવાબદારી સમજીને સ્વૈચ્છિક રીતે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરે તો મોડાસામાં કોરોના કાબુમાં આવી શકે છે  ફરીથી કર્ફયુ લાદવાની નોબત નહીં આવે.જીલ્લામાં કોરોનાનો આંક ૭૦૦ સુધી પહોંચ્યો છે જીલ્લા પંચાયત કચેરીમાં પણ કોરોનાએ પગ પેસારો કરતા ટપાલ વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી કરોનાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.
 
અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જણાવ્યા અનુસાર મોડાસા શહેર સહીત જીલ્લામાં હજુ કોરોનાની બીજી લહેરનો પ્રારંભ થયો નથી. શહેર અને જિલ્લામાં સંક્રમણની સ્થિતિ પણ અંકુશ હેઠળ હોવાનું આંકડાઓ પર થી જણાઇ રહ્યું છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણની અસર દેખાતા 8 થી 10દિવસ લાગી શકે છે. અર્થાત દિવાળી પહેલાં બજારોમાં જે ભીડ જોવા મળી તેનો પ્રભાવ દેખાતા 8 થી 10 દિવસનો સમય લાગી શકે. તે જોતા દેવ-દિવાળી સુધીમાં જો કોરોના ના નવા કેસના આંકડાઓમાં અસામાન્ય વધારો ન થાય તો આપણે સાવચેતી અને નિયમોનું સ્વૈચ્છિક અને ચુસ્ત રીતે પાલન કરીને કોરોનાની બીજી લહેરને આવતી અટકાવી શકીએ છીએ. પરંતુ આ બધુ આપણા હાથમાં એટલે કે નાગરીકોના હાથમાં છે. જો નાગરીકો બેદરકારી દાખવશે તો કોરોનાને અટકાવવો મુશ્કેલ બનશે. 

હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની કોઇ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી માત્ર સાવચેતી જ એક માત્ર બચાવ છે ત્યારે અરવલ્લી જીલ્લામાં માંડ માંડ  કાબૂમાં આવેલી કોરોના મહામારીને ફરી થી માથુ ઉચકતા અટકાવવા માટે ની જવાબદારી હવે નાગરિકોના પોતાના હાથમાં છે. તંત્ર અને તબિબો દ્વારા કોરોનાની અટકાયત અને સારવાર માટે પર્યાપ્ત પ્રયાસો અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું કહી રહી છે ત્યારે આશા રાખીએ શહેરના નાગરિકો જવાબદાર-સમજદાર નાગરિક બને.