મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં કોરોનાના દિન-પ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે જીલ્લામાં સૌથી વધુ મોડાસા શહેરના લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. મોડાસા શહેરમાં લોકલ ટ્રાન્સમિશનની અસર જોવા મળી રહી છે. જીલ્લા આરોગ્ય તંત્ર કોરોના સામે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ મોડાસા શહેરમાં બેકાબુ બની રહેલા કોરોનાને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હોય તેવું નગરજનો અનુભવી રહ્યા છે. કાળમુખો કોરોના મોડાસાના ધનસુરા રોડ પર આવેલી જૈનબ પાર્કમાં રહેતી મહિલાને ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મહિલાનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા નગરજનોમાં ચાલતી ચર્ચા હિંમતનગર સિવિલમાં લઈ જતા કોરોનાગ્રસ્ત દર્દી પાછા આવતા ન હોવાની વાતને વધુ એકવાર વેગ મળ્યો છે. જીલ્લામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા મોડાસા શહેરમાં જે રીતે મૃત્યુ આંક વધી રહ્યો છે. તે જોતા શહેર જાણે ડેથસ્પોટ તરફ સરકી રહ્યું હોય તેવો અહેસાસ લોકોને થતા ફફડી ઉઠ્યા છે.

રવિવારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ગોપી વલ્લભ ફ્લેટમાં રહેતો ૪૦ વર્ષીય યુવક,સુથારવાડા માં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધા, ન્યુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય આધેડ અને મેઘરજ ૫૧ વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં મોડાસા શહેરમાં ત્રણ અને મેઘરજમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જિલ્લામાં કોરોનાનો આંક ૨૧૯ પર પહોંચ્યો છે. આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રે રાબેતા મુજબ કોરોનાગ્રસ્ત દર્દી મળી આવેલા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવા અને સર્વેની કામગીરી હાથધરી હતી. મોડાસા શહેરમાં કોરોના બેકાબુ બનતા શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

અનલોક-૧માં વેપાર-ધંધાની છુટછાટ સાથે સમગ્ર અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા દિવસેને દિવસે જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે.જીલ્લામાં દરરોજ ચાર જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તેમાંય જિલ્લાના વડા મથક મોડાસા ખાતે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાથી ૩ લોકોનો મોત નિપજતા અને કોરોનાગ્રસ્ત દર્દીના જાણે-અજાણે સંપર્કમાં આવેલ લોકો કોરોનામાં સપડાતાં શહેરમાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. 

પ્રશાસન તંત્ર સબસલામતના દિવ્ય સ્વપનાઓમાં રાચી રહ્યું છે ...!! 

 અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ મોડાસા શહેરની છે જેમાં કોરોનાગ્રસ્ત બનેલ દર્દીઓનો મૃત્યુ આંક સતત વધી રહ્યો છે ત્યારે  તંત્ર પણ સબ સલામતની વાત કરી રહ્યું છે, તંત્ર દ્વારા કડકાઈથી અમલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોના પોઝિટિવના આંકડામાં વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હવે કડક વલણ અપનાવવાની જરૃર જણાય છે.  વધુમાં અહીં તો લોકો પણ હવે કોરોનાની આસ્થિતિમાં લેવાતા સલામતીના પગલાઓને ગંભીરતાથી લઈ રહ્યા નથી. જેથી પણ કડકાઈ ભર્યું વલણ અપનાવવું જરૂરી બન્યું છે.

મોડાસા શહેરને કોરોનાથી બચાવવું હોય તો લોકોએ સ્વયંમ સતર્ક બનવું પડશે 

 મોડાસા શહેરમાં જે રીતે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધે તેવી સંભાવના છે ત્યારે ખાસ કરીને મોડાસા શહેરના લઘુમતિ  વિસ્તારમાં કોરોના વાયરસે માથુ ઉચક્યું છે તેમજ શહેરના માલપુર, મેઘરજ રોડ,સહયોગ ચોકડી નજીક પણ કોરોનાના કેસ બહાર આવતા લોકોએ સ્વયંમ જાગૃત અને સતર્ક બનવું પડશે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું અને રહેણાંક વિસ્તારોમાં ટોળેવળી ગપ્પા મારવાનું છોડવું પડશે નહીં તો આગામી દિવસોમાં કોરોનાનો અજગરી શકંજો ભીડાય તો નવાઈ નહીં..!!