મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝેટીવ કેસ નોંધાઈ રહ્યા છે. મોડાસા શહેરમાં ૩૯ કોરોના પોઝેટીવ દર્દીઓ માંથી ૫ લોકોના મોત નિપજ્યા છે જેમાં ૪૮ કલાકના સમયગાળામાં ત્રણ લોકોનો મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભિલોડાના ૭૦ વર્ષીય વૃદ્ધ પણ કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં મોત નિપજતા જીલ્લામાં અત્યાર સુધી ૧૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૭ લોકો કોરોના સામે જંગ હારી જતા તંત્રમાં દોડધામ મચી છે. મોડાસા શહેરની કાર્તિકેય સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય મહિલા હિંમતનગર સારવાર દરમિયાન કોરોનાથી મોત નિપજતા કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલા વિસ્તારમાં જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકા પ્રમુખ અને ટાઉન પોલીસે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. 

અરવલ્લી જીલ્લા માટે કોરોના પ્રાણઘાતક સાબિત થઇ રહ્યો છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી સંક્રમણના ભય હેઠળ મોડાસા શહેરમાં કોરોના પોઝેટીવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. મોડાસા શહેરમાં એક યુવાન અને ૪ વૃદ્ધ લોકોને કોરોના ભરખી જતા લોકોમાં કોરોનાની બીમારીએ ફફડાટ ફેલાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મોડાસાની ૭૦ વર્ષીય મહિલા અને ભિલોડાના ઘાંટી ગામે અમદાવાદથી આવેલ વૃદ્ધ કોરોનાગ્રસ્ત બન્યાના ગણતરીના કલાકોમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મોડાસા શહેર સહીત જીલ્લામાં કોરોનાથી સતત થઈ રહેલ મૃત્યુ થી આરોગ્ય વિભાગ ગોથે ચઢ્યું છે જીલ્લામાં મૃત્યુદરમાં સતત થઇ રહેલો વધારો આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ લોકો ઉઠાવી રહ્યા છે .

કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુને અન્ય બીમારીઓના લીધે મોત નીપજ્યું હોવાનું આરોગ્ય તંત્રના સાબિત કરવા હવાતિયાં 

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાના ૧૨૦ પોઝેટીવ દર્દીઓમાંથી ૭ લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી મોડાસા શહેરમાં જ ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યારે કોરોનાનો મૃત્યુદર વધતા આરોગ્ય તંત્ર છેલ્લા કેટલાક સમયથી મોત નીપજેલા દર્દીઓને અન્ય ગંભીર બીમારીઓ હોવાથી મોત નીપજ્યું હોવાનું જણાવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા જાણે કોરોનાથી મોત ને ભેટેલા કમનસીબ મૃતકોના મૃત્યુને કોરોનાથી નહિ પણ અન્ય ગંભીર બીમારીઓના લીધે મોત થયું હોવાનું સાબિત કરવા હવાતિયાં મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ થઇ રહેલા મૃત્યુને કોરોનાથી થયેલ મૃત્યુ સમજવા કે પછી અન્ય કોઈ બીમારીથી મૃત્યુ થયું સમજવું એ સમજવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઇ રહ્યું છે.