મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ  લોકડાઉનના કારણે ધંધા- રોજગાર- ખેતી ઠપ થતા રાજ્યના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાના આધારે મંગળવારે રાજ્યના તમામ શહેર, તાલુકા અને જિલ્લાના કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપવાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે અંતર્ગત મોડાસા શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
 
મોડાસા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલ હુસેન ઇપ્રોલીયા, મોડાસા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જી.આઈ ખાલક, શહેર મહામંત્રી રાહુલ પટેલ અને શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે તમામ લોકોના ૩ માસના લાઈટબીલ માફ કરવા તથા તમામ પ્રકારના વેરા માફ કરવા તેમજ નાના દુકાનદારોના કોમર્શિયલ ટેક્સ માફ કરવાની સાથે ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાંઆવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે તેમજ લાંબા ચાલેલા લોકડાઉનના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યૂઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરેની માંગ કરી હતી.