મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના ન હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા હતા. રાજ્ય સરકાર પાસે મોડાસા નગરપાલિકા તંત્રની વારંવાર રજૂઆતના પગલે આખરે ૧૪૩.૬૬ કરોડના ખર્ચ ભૂગર્ભ ગટર યોજનાની વહીવટી મંજૂરી મળવાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૪૩ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ઈ-ખાતમુહર્ત કર્યું હતું. ભૂગર્ભ ગટર યોજના શહેરના ૧૪ ચો.કીમી વિસ્તારમાં આશરે ૨૪૩ કિમી લંબાઈ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિકાસ લક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં મોડાસા શહેરમાં આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજના અમલી થવાની છે. જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૪૩.૬૬ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટર યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કર્યું. જ્યારે સરકારી ઇજનેર કોલેજ ખાતે ૧૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુમાર છાત્રાલય, ત્રણ કરોડના  ખર્ચે તૈયાર થયેલા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના મકાન તેમજ ૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટાં-બકરા સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં માનવી, ત્યાં ત્યાં વિકાસના સંકલ્પ સાથે સરકાર વિકાસલક્ષી કાર્યો કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડાસા શહેરમાં ઘરે ઘરે રાંધણ ગેસ પણ પહોંચી ગયો હોવાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. મોડાસા ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સંસાદ દીપસિંહ રાઠોડ, મોડાસા નગર પાલિકા પ્રમુખ, સુભાષભાઈ શાહ, જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, નગરપાલિકા ચીફ ઓફિસર જીજ્ઞેશ બારોટ સહિતના અધિકારી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.