મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: સ્વચ્છતા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે તંત્રને કોઇ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા માટે સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી છે, જેના થકી નાગરિકો ગંદકીની ફરિયાદ ઓનલાઈન કરી શકે છે, પણ ફરિયાદ નોંધાયા બાદ તેનું નિરાકરણ કરવામાં આવે છે કે, નહીં તે માત્રને માત્ર સ્થાનિક તંત્રના તાયફા હોય તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે કે, જો કોઇ વ્યક્તિ સ્વચ્છતા એપ પર ફરિયાદ કરે છે તો તેનું નિરાકરણ કર્યા વિના જ “રીજોલ્વ્ડ” લખી દેવામાં આવતું હોવાનું ઓનલાઈન કંમ્પ્લેઇન કરનાર મોબાઈલ ધારકો અહેસાસ અનુભવી રહ્યા છે .
             
મોડાસાના ધુણાઇ રોડ પર છેલ્લા કેટલાય મહિનાથી આર.સી.સી. રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયેલું છે, જેને કારણે રોડ પર બિસ્માર બની ગયો છે, જેની જાણકારી  સ્વચ્છતા એપ મારફતે જાગૃત નાગરિકે ફોટો પાડી એપ પર ફરિયાદ કરવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા આ ફરિયાદને સાંભળ્યા વિના અથવા તો અહીં મુલાકાત  કર્યા વિના જ ફરિયાદના જવાબમાં જણાવી દેવાયું છે કે, આપની ફરિયાદનું નિરાકરણ એટલે કે, ફરિયાદ “રીજોલ્વ્ડ” કરી દેવાઇ છે.

સ્વચ્છતા એપ એક એવી એપ તૈયાર કરવામાં આવી છે કે,  જેના થકી સ્થાનિક કક્ષાએ કોઇપણ વ્યક્તિ લોકેશન દર્શાવી જે-તે સ્થળ પર થતી સમસ્યાની ઓનલાઈન ફરિયાદ કરી શકે છે, પરંતુ અહીં કરવામાં આવતી ફરિયાદને સ્થાનિક પાલિકા તંત્ર જાણે ધ્યાને ન લેતું હોય તેવું લાગી રહ્યું છે. નાગરિકોની ફરિયાદ તો ઓનલાઈન લઇ લેવાય છે, પરંતુ ફરિયાદના નિરાકરણ કરવાના માત્ર તાયફા જ કરવામાં આવતા હોય તેવું ફરિયાદ કરનાર જાગૃત નાગરિકો અહેસાસ અનુભવી રહ્યા છે.