જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): વર્ષ-૨૦૧૮માં અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં પ્રજાજનોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે જીલ્લા કલેકટર એમ. નાગરાજને ૪૫ કરોડના ખર્ચ અને ૧૫૦ કરોડની હોસ્પિટલ નિર્માણ માટે બાજકોટની સીમમાં ૨૦ એકર જમીનની ફાળવણી કર્યા પછી અગમ્ય કારણોસર જમીન મંજુર થયેલી જમીન આરોગ્ય તંત્રએ રદ કરી જીલ્લા સેવાસદન નજીક જમીન સંપાદન કર્યા પછી સિવિલ હોસ્પિટલનું કામ શરૂ ન થતા આખરે કોંગ્રેસે જીલ્લામાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય તે માટે સતત આંદોલન કર્યા હતા. આખરે કોંગ્રેસની મહેનતની રંગ લાવી હોય તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ માટે ૧૨૧ કરોડ અને ૬૮૦ લાખની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ માટે વહીવટી મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા કરવા માટે સૂચના અપાતા જીલ્લાના પ્રજાજનોમાં આનંદ છવાયો છે.
કોરોના સંક્રમણમાં સિવિલ હોસ્પિટલના અભાવે અનેક દર્દીઓએ દમ તોડી દીધો હતો. અસંખ્ય લોકોએ મોંઘીદાટ સારવાર લેવાની ફરજ પડી હતી. હાલ કોરોનાના એમીક્રોન વાયરસની દહેશત વચ્ચે અરવલ્લી જીલ્લામાં સિવિલ હોસ્પિટલ ઝડપથી નિર્માણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વહીવટી મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા હાથધરાવાના આદેશ કર્યા છે.