મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે આરોગ્ય તંત્રએ કોરોનાના ટેસ્ટ કરવાનું ઓછું કરી દીધું હોવાના આક્ષેપ વચ્ચે મોડાસા શહેરમાં લોકલ સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ લોકો કોરોનાગ્રસ્ત બનતા ૩૭ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાં મોડાસા શહેરના યુવક અને એક વૃદ્ધને કોરોના ભરખી ગયો છે. મોડાસા શહેરમાં કોરોનાના કહેરથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકાના રાનીઓડ અને  સાતરડા ગામે એક એક કોરોના પોઝેટીવ કેસ નોંધવાની સાથે જીલ્લામાં ૧૧૮ લોકો અત્યાર સુધી કોરોનાગ્રસ્ત બન્યા છે મોડાસા શહેરમાં ૪ કોરોના પોઝેટીવ દર્દીઓ મળી આવ્યા તે વિસ્તારમાં થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરાયું હતું અને નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ સહિત સેનેટાઈઝેશન કામગીરી હાથ ધરાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં લોકડાઉનની અમલવારીના ૨૩ મા દિવસે પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો અને પછી તો જેમ જેમ જિલ્લા અને રાજય બહારથી લોકો જિલ્લામાં આવતા ગયા એમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતુ જ ગયું અને છેલ્લા ૪૫  દિવસોમાં જ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના આંક ૧૧૮ દર્દીએ પહોંચ્યો હતા. મોડાસા શહેરમાં ૩૭ દર્દીઓ કોરોના પોઝીટીવ,તાલુકાના ૧૯ મળી કુલ ૧૧૮ દર્દીઓ પૈકી ૫૬ દર્દી તો માત્ર મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા છે.

એક તરફ સરકાર લોકડાઉન-૪માં રાહત આપી છે અને બીજી બાજુ કેસોમાં વધારો થતો જાય છે ત્યારે સરકાર માટે પણ હવે આકરી કસોટી છે. હાલ તો અરવલ્લીના આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે. બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા મોડાસા કોરોનાગ્રસ્ત વિસ્તારોને અને જિલ્લાના અન્ય કોરોના પોઝેટીવ દર્દીઓના વિસ્તારને કન્ટેઈમેન્ટ એરીયા તરીકે જાહેર કરી દીધો છે અને આરોગ્ય તંત્રએ સર્વેની કામગીરી હાથધરી છે.