મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં અનેક ઘટનાઓ એવી બનતી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. આવી જ એક ઘટના મોડાસા શહેરમાં બની હતી. શહેરની સહયોગ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ મધુવન ફ્લેટમાં ત્રીજા માળેથી મોટા ભાઈ સાથે રમતો દોઢ વર્ષીય નાનો ભાઈ પટકાતા હાહાકાર મચ્યો હતો. ફ્લેટમાં રહેલા પરિવારજનોમાં દોડધામ મચી હતી. ત્રીજા માળેથી ધડામ દઈ બાળક નીચે પટકાતા આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાબડતોડ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાતા તબીબોએ સઘન સારવાર હાથધરી હતી.

સોમવારે સાંજના સુમારે, મોડાસા શહરેના માલપુર રોડ પર આવેલી સહયોગ ચોકડી નજીક મધુવન ફ્લેટમાં રહેતા અને કડિયાકામ સાથે સંકળાયેલ મનોજભાઈ સરગડાના દોઢ વર્ષીય પુત્ર યશ તેના પરિવારના બાળકો સાથે રમતા રમતા ફ્લેટની ત્રીજા માળની ગેલેરીમાંથી આકસ્મિક રીતે પટકાતા માથાના ભાગે ઈજાઓ પહોંચતા બેભાન બની જતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. આકસ્મિક બનેલી ઘટનાથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.