મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજીબાજુ કોરોના મહામારીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મુન્નાભાઈ એમબીબીએસ પણ બિલાડીની ટોપની માફક દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જીલ્લા આરોગ્ય તંત્રના આંખ આડે કાન કરવાની નીતિના પગલે કોરોનાની મહામારીને અવસરમાં પલટી ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને લૂંટી રહ્યા છે. જીલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પેટી ડોક્ટર ફરતા જોવા મળવા સામાન્ય છે. પરંતુ આરોગ્ય તંત્રને ઉંટવૈદ્યો દેખાતા નથી મોડાસાના નવા વાઘોડિયા અને ભિલોડાના ટોરડા ગામે આરોગ્ય તંત્રેએ બે નકલી તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પેટી ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી આરોગ્ય તંત્રની મોડેમોડે જાણે આરોગ્ય વિભાગની આંખ ઉગડી હોય તેમ મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે ઘરને દવાખાનું બનાવી સારવાર કરતા બોગસ તબીબ રણજીત કોદરસિંહ સોલંકી નામના બની બેઠેલા તબીબને એલોપેથિક સારવાર કરતો ઝડપી લઈ મોડાસા તાલુકા આરોગ્ય અધિકારીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભિલોડા તાલુકાના ટોરડા ગામે ગોરધન મણીલાલ પટેલ નામનો શખ્સ વગર ડિગ્રીએ એલોપેથિક દવા કરતો હોવાની બૂમો ઉઠતા ભિલોડા આરોગ્ય અધિકારીએ રેડ કરતા નકલી ડોક્ટર નાસી છૂટતા ભિલોડા પોલીસ સ્ટેશને અરજી આપી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી.

મોડાસા તાલુકાના બોલુન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તેમની ટીમે નવા વાઘોડિયા ગામે ઘરમાં દવાખાનું બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા રણજીત કોદરસિંહ મુન્નાભાઈ એમબીબીએસને ત્યાં રેડ કરી ઉંટવૈદ્યના ઘરેથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ,ઇન્જેક્શન અને બાટલાઓ મળી આવ્યા હતા. તેમજ એક્સપાયર ડેટ થઇ ગયેલ જથ્થો મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભિલોડા તાલુકાના ટોરડા ગામે ગોરધન મણીલાલ નામનો શખ્શ દવાખાનું ખોલી એલોપેથિક દવાઓ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતો હોવાની બૂમો ઉઠતા ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીએ તેમની ટીમ સાથે રેડ કરતાં રેડની ગંધ આવી જતા મુન્નાભાઈ એમબીબીએસ દવાખાનાને તાળું મારી રફુચક્કર થઇ જતા આરોગ્ય અધિકારીએ દવાખાન બહાર નોટીસ ચીપકાવી ગોરધન મણિલાલ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભિલોડા પોલીસને લેખીત જાણ કરતા ભિલોડા પોલીસે નકલી તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી.